યુક્રેન સાથેની ભીષણ લડાઈ વચ્ચે રશિયાને મોટો આંચકો લાગ્યો છે. તેની સૌથી ખતરનાક પરમાણુ મિસાઈલનું પરીક્ષણ નિષ્ફળ ગયું. આ ચોથી વખત છે જ્યારે રશિયાનું પરમાણુ મિસાઈલ પરીક્ષણ નિષ્ફળ ગયું છે. આ મિસાઈલને રશિયાનો શેતાન (SATAN-2) પણ કહેવામાં આવે છે. લોન્ચિંગ દરમિયાન મિસાઈલ ટેક ઓફ કરતા પહેલા જ વિસ્ફોટ થઈ હતી. જેના કારણે લોન્ચ પેડ પણ નષ્ટ થઈ ગયું હતું. સેટેલાઇટ તસવીરો પરથી તબાહીનું દ્રશ્ય સ્પષ્ટપણે જોઇ શકાય છે.
21 સપ્ટેમ્બરના રોજ, રશિયાએ અરખાંગેલ્સ્ક ક્ષેત્રમાં પરમાણુ-સક્ષમ બેલિસ્ટિક મિસાઇલ RS-28 સરમતનું પરીક્ષણ કર્યું હતું. તેને SATAN-2 પણ કહેવામાં આવે છે. મોસ્કોએ પરીક્ષણના પરિણામો જાહેર કર્યા ન હોવા છતાં, સેટેલાઇટ છબીઓ દર્શાવે છે કે સાઇટ સંપૂર્ણપણે નાશ પામી હતી. તસ્વીરોમાં તબાહીનું દ્રશ્ય સ્પષ્ટપણે જોઈ શકાય છે. સાઇટ પર એક ઊંડો ખાડો રચાયો છે, જે દર્શાવે છે કે પરીક્ષણ સ્થળને વ્યાપક નુકસાન થયું છે.
રશિયાનો શેતાન શું છે?
રશિયાની પરમાણુ મિસાઈલ RS-28 SARMAT ને પશ્ચિમ અને અમેરિકા રશિયાનો શેતાન કહે છે. તે રશિયાના મુખ્ય હથિયારોમાંનું એક છે. તે કોઈપણ દેશને એક ક્ષણમાં તબાહ કરવાની ક્ષમતા ધરાવે છે. જો કે, એવું માનવામાં આવે છે કે એપ્રિલ 2022 પછી આ ચોથી વખત છે જ્યારે તેનું પરીક્ષણ નિષ્ફળ થયું છે. આવી સ્થિતિમાં હવે તેની વિશ્વસનીયતા પર સવાલો ઉઠી રહ્યા છે. આ હોવા છતાં, રશિયાનું કહેવું છે કે મિસાઇલો લડાયક ચેતવણીની સ્થિતિમાં તૈનાત છે.
પુતિન માટે મોટો ફટકો
મિસાઈલ પરીક્ષણની કથિત નિષ્ફળતા વ્લાદિમીર પુતિન માટે મોટો ફટકો બની શકે છે. સેટેલાઇટ ફોટામાં જોઈ શકાય છે કે ઘટના સ્થળે ફાયરની ગાડીઓ ઉભી છે. પરમાણુ પ્રક્ષેપણ સ્થળ પર એક વિશાળ ખાડો દેખાય છે. જો કે, નિષ્ણાતો કહે છે કે તે એક પ્રવાહી ઇંધણ મિસાઇલ છે, તેથી લોન્ચિંગ સાઇટ પર અકસ્માત એ પ્રક્ષેપણ પ્રવૃત્તિનો એક ભાગ હોઈ શકે છે.