વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 થી 23 સપ્ટેમ્બર સુધી અમેરિકાના પ્રવાસે જશે. વિદેશ મંત્રાલયે આ જાણકારી આપી છે. આ દરમિયાન, વડાપ્રધાન 21 સપ્ટેમ્બરે યુએસએના ડેલાવેરના વિલ્મિંગ્ટનમાં ચોથા ક્વોડ લીડર્સ સમિટમાં ભાગ લેશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, 22 સપ્ટેમ્બરે વડા પ્રધાન ન્યૂયોર્કમાં ભારતીય સમુદાયને સંબોધિત કરશે, જ્યારે 23 સપ્ટેમ્બરે તેઓ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ‘સમિટ ઑફ ધ ફ્યુચર’ને સંબોધિત કરશે.
આ મુલાકાત દરમિયાન વડા પ્રધાન મોદી ન્યૂયોર્કમાં અગ્રણી અમેરિકન કંપનીઓના મુખ્ય કાર્યકારી અધિકારીઓ (CEO) સાથે પણ વાતચીત કરશે, જેથી AI, બાયોટેક્નોલોજી અને સેમિકન્ડક્ટર વગેરે ક્ષેત્રોમાં ભાગીદારીને મજબૂત બનાવી શકાય. વિદેશ મંત્રાલયે વડાપ્રધાનના ત્રણ દિવસીય કાર્યક્રમની વિસ્તૃત વિગતો પણ જાહેર કરી છે.
વડાપ્રધાનની મુલાકાતની જાહેરાત કરતા વિદેશ મંત્રાલયે કહ્યું કે મોદી 21 સપ્ટેમ્બરના રોજ વિલમિંગ્ટન, ડેલવેરમાં ‘ક્વાડ’ નેતાઓની શિખર બેઠકમાં ભાગ લેશે, જેનું આયોજન અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન કરશે. આ વર્ષે ક્વાડ સમિટની યજમાની કરવાનો ભારતનો વારો હતો. મંત્રાલયે જણાવ્યું હતું કે, “આ વર્ષે ક્વાડ સમિટની યજમાની કરવાની યુએસ વિનંતીને પગલે, ભારત 2025 માં આગામી ક્વાડ સમિટની યજમાની કરવા માટે સંમત થયું છે.”
“ક્વાડ સમિટમાં, નેતાઓ (ગ્રુપિંગના ચાર સભ્ય દેશોના) છેલ્લા એક વર્ષમાં ક્વાડ દ્વારા હાંસલ કરેલી પ્રગતિની સમીક્ષા કરશે અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રના દેશોને તેમના વિકાસના લક્ષ્યો અને આકાંક્ષાઓને પૂર્ણ કરવા પ્રોત્સાહિત કરશે.” વિદેશ મંત્રાલયે કહ્યું કે વડાપ્રધાન મોદી 23 સપ્ટેમ્બરે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ‘સમિટ ઓફ ધ ફ્યુચર’ને સંબોધિત કરશે. ન્યૂયોર્કમાં વડાપ્રધાન 22 સપ્ટેમ્બરે ભારતીય સમુદાયને સંબોધિત કરશે.
“વડાપ્રધાન AI (કૃત્રિમ બુદ્ધિમત્તા), ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, સેમિકન્ડક્ટર અને બાયોટેકનોલોજીના અત્યાધુનિક ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે વ્યાપક સહયોગને પ્રોત્સાહન આપવા માટે અગ્રણી યુએસ કંપનીઓના સીઈઓ સાથે પણ વાતચીત કરશે,” વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, મોદી ભારત-યુએસ દ્વિપક્ષીય માહોલમાં નિષ્ણાતો અને અન્ય સક્રિય હિસ્સેદારો સાથે પણ વાતચીત કરશે.