International Yoga Day : “કેન્દ્રીય સંચાર બ્યુરો, પાલનપુર દ્વારા દાંતીવાડા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ…યોગાસન સ્પર્ધા, પ્રશ્નમંચ સ્પર્ધા સહિત નાટિકા દ્વારા યોગનું મહત્વ સમજાવાયું:
ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય અંતર્ગત કાર્યરત કેન્દ્રીય સંચાર બ્યૂરો, ક્ષેત્રિય કાર્યાલય, પાલનપુર દ્વારા ૧૦ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે કેન્દ્રીય વિદ્યાલય, દાંતીવાડા ખાતે યોગાભ્યાસનું આયોજન કરવામાં આવ્યુ હતું.
જેમાં કેન્દ્રીય સંચાર બ્યુરો પાલનપુરના અધિકારીશ્રી જે.ડી ચૌધરીએ યોગ દિવસની ઉજવણી અંગેનું મહત્વ સમજાવતા કહ્યું કે, ભારત દેશના નાગરીકો પોતાના તંદુરસ્ત સ્વાસ્થ્ય સાથે સ્વસ્થ સમાજના નિર્માણ માટે અગ્રેસર થાય તેમજ વસુધૈવ કુટુમ્બકમની ભાવનાને સમગ્ર વિશ્વમાં ચરિતાર્થ કરવા માટે ભારતના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના સંકલ્પને વિશ્વના ખૂણે ખૂણે સુધી પહોંચાડવા માટે ભારત સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું આયોજન 21 મી જૂનના રોજ કરવામાં આવે છે.
આ વર્ષની થીમ “સ્વયં અને સમાજ માટે યોગ” ને ચરિતાર્થ કરવા માટે કેન્દ્રીય સંચાર બ્યુરો, પાલનપુર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં કેન્દ્રીય વિદ્યાલયના વિદ્યાર્થીઓ, અધ્યાપક ગણ તેમજ વિજય વિદ્યામંદિરના વિદ્યાર્થીઓ સાથે આમંત્રિત મહેમાનો એ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમનું સંચાલન આર્ટ ઓફ લિવિંગના યોગ ગુરુ શ્રી પ્રકાશ વાસુ દ્વારા કરવામાં આવ્યુ હતું. તેઓની સાથે કેન્દ્રીય વિદ્યાલય ના યોગ તજજ્ઞ ઉપસ્થિત રહ્યા હતા. યોગ પ્રોટોકોલ મુજબ યોગાસન, પ્રાણાયામનાં અભ્યાસ કર્યા બાદ ઉપસ્થિત વિદ્યાર્થીઓએ સામૂહિક સૂર્યનમસ્કારનું પ્રદર્શન કર્યું હતું તેમજ યોગ ને જીવનનું અભિન્ન અંગ બનાવવા સંકલ્પ કર્યો હતો.
આ પ્રસંગે શ્રી સાબરકાંઠા જિલ્લા યુવા પરીવારના કલાકારો દ્વારા નાટિકા પ્રસ્તુત કરવામાં આવી હતી. જેમાં મનોરંજન સાથે યોગનું મહત્વ સમજાવ્યું હતું.
યોગ દિવસની ઉજવણી અંતર્ગત જૂન મહિનામાં યોગ પ્રોટોકોલની જાણકારી તેમજ બનાસકાંઠા જિલ્લાના નાગરિકોને યોગની સંપૂર્ણ સમજ આપવા માટે કેન્દ્રીય સંચાર બ્યુરો, પાલનપુર તેમજ ગુજરાત યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે દાંતીવાડાની પી.એમ શ્રી મોડેલ સ્કૂલ, નિલપુર , શ્રી વિજય વિદ્યામંદિર હાઇસ્કુલ તેમજ કેન્દ્રીય વિદ્યાલય ખાતે વિવિધ સ્પર્ધાઓ જેવી કે યોગાસન સ્પર્ધા, પ્રશ્નમંચ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજેતાઓને ઇનામ આપી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમ આયોજનમાં કેન્દ્રીય વિદ્યાલય દાંતીવાડાના આચાર્યશ્રી અરુણ જોનવાલ, તેમજ પ્રાધ્યાપકો વિજય વિદ્યામંદિર હાઇસ્કુલના ઈ. આચાર્ય શ્રી પ્રભાતભાઈ દેસાઈ તેમજ ઉત્સાહી શિક્ષકગણ ના સહયોગ દ્રારા કાર્યકમ સફળ રહ્યો હતો.