ઉત્તર પશ્ચિમ પાકિસ્તાનનો અશાંત ખૈબર પખ્તુનખ્વા પ્રાંત વધુ અસ્તવ્યસ્ત બની ગયો છે. છેલ્લા 24 કલાકમાં જૂથવાદી હિંસાને કારણે અહીં ઓછામાં ઓછા 18 લોકોના મોત થયા છે. જ્યારે 30 અન્ય ઘાયલ થયા છે. આ માહિતી આપતા પાકિસ્તાન પોલીસે જણાવ્યું કે અફઘાનિસ્તાનની સરહદે આવેલા કુર્રમ જિલ્લામાં ગુરુવારે પેસેન્જર વાન પર થયેલા હુમલા બાદ અલીઝાઈ અને બાગાન આદિવાસીઓ વચ્ચે હિંસા ફાટી નીકળી હતી.
મળતી માહિતી મુજબ પેસેન્જર વાન પર થયેલા હુમલામાં 47 લોકોના મોત થયા હતા. બાલિશખેલ, ખાર કાલી, કુંજ અલીઝાઈ અને મકબલમાં પણ ગોળીબાર ચાલુ છે. આદિવાસી સમુદાયના લોકો ઓટોમેટિક હથિયારોનો ઉપયોગ કરીને એકબીજાને નિશાન બનાવી રહ્યા છે. હિંસામાં અત્યાર સુધીમાં 18 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 30 ઘાયલ થયા છે. મીડિયા સૂત્રોએ જણાવ્યું કે હિંસામાં 30થી વધુ લોકોના મોત થયા છે.
ઘરો અને દુકાનોને આગ લગાડી
હિંસા દરમિયાન, અરાજકતાવાદી તત્વોએ ઘણા ઘરો અને દુકાનોને આગ લગાડી અને તોડફોડના ભયાનક કૃત્યો કર્યા. આ પછી વિવિધ ગામોના લોકો સુરક્ષિત સ્થળોએ ગયા છે. પરિસ્થિતિ વણસતી જોઈને શનિવારે જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવામાં આવી હતી, જેને ‘પ્રાઈવેટ એજ્યુકેશન નેટવર્ક’ના પ્રમુખ મુહમ્મદ હયાત હસને સમર્થન આપ્યું હતું. ગુરુવારે બાગાન, મંડુરી અને ઓચ્છતમાં 50થી વધુ વાહનો પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આમાં મહિલાઓ અને બાળકો સહિત 47 લોકોના મોત થયા છે. તેમણે કહ્યું કે મોટાભાગના મૃતકો શિયા સમુદાયના હતા.