- પાકિસ્તાનમા જથ્થાબંધ સંગ્રહખોર તકનો લાભ લઈ રહ્યા છે
- ભારતે તેની ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે
ભારત અને પાકિસ્તાન વચ્ચે વેપાર સંબંધો બંધ થઈ ગયા છે. તેની પાકિસ્તાન પર ખૂબજ ખરાબ અસર પડી રહી છે. ખાસ કરીને પાકિસ્તાનમાં ડુંગળીના ભાવ આસમાને પહોંચી ગયા છે. જેથી આ ડુંગળીના ભાવોએ પાકિસ્તાનના લોકોને ડુંગળીના આંસુ રડવા મજબૂર કરી દીધા છે. ડુંગળીના આ ભાવ વધી રહ્યા છે કારણ કે ભારતે તેની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. જેથી પાકિસ્તાનના જથ્થાબંધ સંગ્રહખોર વેપારીઓ તેનો લાભ લઈ રહ્યા છે.
ગત 8 ડિસેમ્બર, 2023 ના રોજ, ભારતે માર્ચ 2024 સુધી પાકિસ્તાનને ડુંગળીના વેચાણ પર પ્રતિબંધની જાહેરાત કરી હતી. આ પછી ડુંગળી સામાન્ય પાકિસ્તાનીઓ માટે અગમ્ય બનવા લાગી. કારણ કે ડુંગળીના જથ્થાબંધ વેપારીઓએ ભારે ખરીદી કરીને તેનો સંગ્રહ કર્યો હતો. આના કારણે પાકિસ્તાનમાં ડુંગળીના ભાવ તુરંત 120 રૂપિયા પ્રતિ કિલોથી વધીને 140 રૂપિયા પ્રતિ કિલોથી 160થી 180 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા હતા. ત્યારથી પાકિસ્તાનમાં ડુંગળીના ભાવ સતત વધી રહ્યા છે.
ડુંગળીના વધતા ભાવને કારણે પહેલેથી જ અસહ્ય મોંઘવારીનો સામનો કરી રહેલા ગ્રાહકોને હવે અન્ય શાકભાજીની સરખામણીમાં સૌથી વધુ માંગવાળી ચીજવસ્તુઓ માટે વધુ કિંમત ચૂકવવી પડશે. ખાસ કરીને પાકિસ્તાનમાં ડુંગળીના ઉત્પાદનમાં ભારે ઘટાડો નોંધાયો છે. આના કારણે છેલ્લા ત્રણ મહિનામાં સ્થાનિક ડુંગળીના ભાવ બમણાથી પણ વધી ગયા છે.
આ દરમિયાન ભારતે પણ ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે.ભારત શક્ય તેટલી વહેલી તકે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવી લે તે સુનિશ્ચિત કરવા માટે પાકિસ્તાન શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યું છે. ત્યારે પાકિસ્તાનને આશા છે કે ભારતીય બજારમાં ડુંગળીના ઘટી રહેલા ભાવને કારણે તેની નિકાસ પરનો પ્રતિબંધ ટૂંક સમયમાં હટાવી લેવામાં આવશે. આવી સ્થિતિમાં પાકિસ્તાની નિકાસકારો આ તકનો લાભ લેવા માટે પૂરા પ્રયાસ કરી રહ્યા છે.