Ukraine-Russia War: રશિયા-યુક્રેન યુદ્ધને 2 વર્ષથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ હજુ સુધી યુદ્ધ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. 10 મેના રોજ, રશિયન સૈન્યએ યુક્રેનના ઉત્તરપૂર્વીય ખાર્કિવ ક્ષેત્ર પર ગ્રાઉન્ડ હુમલા શરૂ કર્યા હતા, શનિવારે યુક્રેનના ગવર્નરે દાવો કર્યો હતો કે આ ભૂમિ હુમલાથી લગભગ 10,000 લોકોને તેમના ઘર છોડવા માટે મજબૂર કરવામાં આવ્યા છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ એએફપીને જણાવ્યું હતું કે આ હુમલો વ્યાપક હુમલાની પ્રથમ લહેર હોઈ શકે છે. ગવર્નર ઓલેગ સિનેગુબોવે કહ્યું કે હુમલાના એક સપ્તાહ બાદ, ‘કુલ 9,907 લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે.’
રશિયન સૈનિકોથી બચી રહેલા યુક્રેનિયન લોકો
દરેક વ્યક્તિ રશિયન સૈનિકોથી ભાગી રહ્યો હતો. તમને જણાવી દઈએ કે રશિયન સેનાએ ઉત્તર-પૂર્વીય સરહદ પર પાંચથી 10 કિલોમીટર (ત્રણથી છ માઈલ) સરહદ પાર કરી છે. રશિયન દળોએ 9 થી 15 મેની વચ્ચે 278 ચોરસ કિલોમીટર (107 ચોરસ માઇલ) કબજે કર્યું, જે 2022ના અંત પછીની તેમની સૌથી મોટી પ્રગતિ છે.
શુક્રવારે ચીનની મુલાકાત દરમિયાન હુમલા વિશે બોલતા, રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે તે યુક્રેન દ્વારા રશિયન સરહદી વિસ્તારોમાં ગોળીબારનો જવાબ હતો. પુતિને કહ્યું કે ‘ઝેલેન્સકીએ હુમલામાં રશિયાના ફાયદાને ઓછો આંક્યો.’