રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તેમના ખાસ સંબંધો દર્શાવતા ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉનને વ્યક્તિગત ઉપયોગ માટે રશિયન બનાવટની કાર ભેટમાં આપી છે. ઉત્તર કોરિયાના સરકારી મીડિયાએ મંગળવારે આ જાણકારી આપી. સાથે જ ક્રેમલિને પણ આ વાતની પુષ્ટિ કરી છે. પુતિને કિમ જોન ઉનને રશિયન ઓરસ લિમોઝિન ભેટ આપી હતી કારણ કે ઉત્તર કોરિયાના નેતાને તેમની અગાઉની રશિયાની મુલાકાત દરમિયાન બખ્તરબંધ કાર પસંદ પડી હતી, એમ એક નિવેદનમાં જણાવાયું હતું. તેઓ વોસ્ટોચની કોસ્મોડ્રોમ ખાતે રશિયન રાષ્ટ્રપતિની બાજુમાં કારની અંદર બેઠેલા પણ જોવા મળ્યા હતા.
જ્યારે ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, “જ્યારે ડીપીઆરકે (ઉત્તર કોરિયા)ના વડા વોસ્ટોચની કોસ્મોડ્રોમ ખાતે હતા ત્યારે તેમણે આ કાર જોઈ હતી. પુતિને વ્યક્તિગત રીતે તેને બતાવી હતી અને કિમને પણ આ કાર ગમી હતી.”
તે કેવા પ્રકારની કાર હતી અથવા કેવી રીતે મોકલવામાં આવી હતી તે જણાવવામાં આવ્યું નથી. જો કે, નિરીક્ષકોએ કહ્યું કે તે યુએનના ઠરાવનું ઉલ્લંઘન હોઈ શકે છે જે તેના પરમાણુ શસ્ત્રો છોડી દેવા માટે દેશ પર દબાણ કરવાના પ્રયાસમાં ઉત્તર કોરિયાને વૈભવી ચીજવસ્તુઓની સપ્લાય પર પ્રતિબંધ મૂકે છે.
કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીએ જણાવ્યું કે કિમની બહેન કિમ યો જોંગ અને ઉત્તર કોરિયાના અન્ય એક અધિકારીએ રવિવારે ભેટ સ્વીકારી અને તેમના ભાઈ વતી પુતિનનો આભાર માન્યો. સમાચારમાં કહેવામાં આવ્યું છે કે કિમ યો જોંગે કહ્યું કે આ ભેટ નેતાઓ વચ્ચેના ખાસ અંગત સંબંધોને દર્શાવે છે.
કિમ ગયા સપ્ટેમ્બરમાં પુતિન સાથે સમિટ માટે રશિયાની મુલાકાતે આવ્યા ત્યારથી ઉત્તર કોરિયા અને રશિયાએ તેમના સહકારને નોંધપાત્ર રીતે વિસ્તાર્યો છે. કિમની રશિયાના મુખ્ય સ્પેસ સ્ટેશનની મુલાકાત દરમિયાન, પુતિને ઉત્તર કોરિયાના નેતાને તેમની અંગત ઓરસ સેનેટ લિમોઝિન બતાવી હતી જેમાં કિમ પાછળની સીટ પર બેઠો હતો.
રશિયાની રાજ્ય સમાચાર એજન્સી તાસના જણાવ્યા અનુસાર, ઓરસ પ્રથમ રશિયન લક્ઝરી કાર બ્રાન્ડ હતી અને પુતિન સહિત ટોચના અધિકારીઓના વાહનોના કાફલામાં તેનો ઉપયોગ થાય છે. 2018થી પુતિનના કાફલામાં તેનો ઉપયોગ થઈ રહ્યો છે.