ઇઝરાયેલ અને હમાસ વચ્ચે સંઘર્ષ શરૂ થયાને એક મહિનાથી વધુ સમય થઈ ગયો છે. 7 ઓક્ટોબરે હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલામાં 1200 ઈઝરાયેલી નાગરિકો માર્યા ગયા હતા. બીજી તરફ, સંગઠને ઘણા ઇઝરાયલીઓને પણ બંધક બનાવ્યા હતા. આ વળતા હુમલામાં ગાઝા પટ્ટીમાં અત્યાર સુધીમાં 10 હજારથી વધુ લોકોના મોત થયા છે. જો કે, ઇઝરાયેલ હજુ સુધી પોતાના લોકોને હમાસની કેદમાંથી મુક્ત કરવામાં સફળ રહ્યું નથી. આ સંજોગોને કારણે હવે તેને હમાસ સાથે વાટાઘાટોના ટેબલ પર આવવું પડ્યું છે. અહેવાલો અનુસાર, ઇઝરાયેલ દ્વારા હમાસને કેટલાક પ્રસ્તાવ આપવામાં આવ્યા છે, જેના દ્વારા બંધકોને છોડાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે ગાઝામાં હમાસ પાસે લગભગ 240 ઈઝરાયેલના લોકો બંધક છે. આમાંથી અડધા લોકો સામાન્ય નાગરિક છે. એવું કહેવામાં આવ્યું છે કે બંધકોની મુક્તિ માટે ઇઝરાયેલ દ્વારા હમાસને આપવામાં આવેલા પ્રસ્તાવોમાંથી પ્રથમ પ્રસ્તાવ આ સામાન્ય લોકોની મુક્તિ સાથે સંબંધિત છે.
આ અંતર્ગત હમાસે પહેલા 10 થી 20 નાગરિકોને મુક્ત કરવા પડશે. આમાં ઇઝરાયેલની મહિલાઓ અને બાળકો ઉપરાંત કેટલાક વિદેશીઓનો પણ સમાવેશ કરવામાં આવશે. બદલામાં, ઇઝરાયેલ ગાઝામાં થોડા સમય માટે હુમલા બંધ કરશે.
અહેવાલ છે કે જો બંને પક્ષો તેમની સમજૂતી નહીં તોડે તો બંધકોની મુક્તિ ચાલુ રહેશે. આ સાથે ઈઝરાયેલ તરફથી થતા હુમલામાં પણ ઘટાડો થશે. જોકે, હમાસે સેનામાં જોડાવાની ઉંમરથી ઉપરના લોકોને મુક્ત કરવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. એટલું જ નહીં, આ લોકોની મુક્તિના બદલામાં હમાસે યુદ્ધવિરામ તેમજ માનવતાવાદી સહાય, હોસ્પિટલો માટે ઈંધણ અને ઈઝરાયેલની જેલોમાંથી પેલેસ્ટિનિયન મહિલાઓ અને બાળકોને મુક્ત કરવાની માંગ કરી છે.