International : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન મંગોલિયાની મુલાકાતે જવાના છે. યુક્રેન સાથેના યુદ્ધ અને ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ દ્વારા ધરપકડ વોરંટ જારી કરવા વચ્ચે પુતિન પ્રથમ વખત ICC દ્વારા માન્યતા પ્રાપ્ત દેશની મુલાકાત લેવાના છે. પુતિનની મુલાકાત પહેલા યુક્રેને મંગોલિયાના રાષ્ટ્રપતિને પુતિનની ધરપકડ કરવા વિનંતી કરી છે. પરંતુ, સવાલ એ છે કે શું પુતિનની ધરપકડ શક્ય છે? આ પહેલા પણ 2015માં સુદાનના તત્કાલિન રાષ્ટ્રપતિ પર ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું, પરંતુ ICC સભ્ય દેશની મુલાકાત દરમિયાન તેમની ધરપકડ થઈ શકી ન હતી. બીજી તરફ ક્રેમલિનનું કહેવું છે કે તેને પુતિનની ધરપકડનો કોઈ ડર નથી, પરંતુ રાષ્ટ્રપતિની સુરક્ષાને લઈને સંપૂર્ણ સાવધાની રાખવામાં આવી છે.
હકીકતમાં, યુક્રેને મંગોલિયાને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની આવતા અઠવાડિયે દેશની મુલાકાત પહેલા તેની ધરપકડ કરવા વિનંતી કરી છે. ICCએ 2023માં પુતિન માટે યુદ્ધ અપરાધો માટે જવાબદાર હોવાના આરોપમાં ધરપકડ વોરંટ જારી કર્યું હતું. પુતિન પર નિર્દોષોના નરસંહારનો આરોપ છે, જે રશિયન લડવૈયાઓએ યુક્રેનમાં કર્યો હતો. આઇસીસીના પ્રવક્તા કહે છે કે મોંગોલિયન સત્તાવાળાઓની આઇસીસીના નિયમોનું પાલન કરવાની “જવાબદારી” છે, પરંતુ તેમણે સ્પષ્ટતા કરી કે તેનો અર્થ એ નથી કે ધરપકડ કરવામાં આવશે.
બીજી તરફ, ક્રેમલિન (રશિયાના રાષ્ટ્રપતિનું સત્તાવાર નિવાસસ્થાન) એ કહ્યું છે કે તેને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની આગામી મોંગોલિયા મુલાકાતને લઈને કોઈ ચિંતા નથી. તમને જણાવી દઈએ કે મંગોલિયા ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC)નો ભાગ છે અને પુતિન 3 સપ્ટેમ્બરે મંગોલિયાની મુલાકાતે જવાના છે. માર્ચ 2023માં ICC દ્વારા ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યા બાદ ICCના સભ્ય દેશની પુતિનની આ પ્રથમ મુલાકાત હશે. ICCએ યુક્રેનમાં શંકાસ્પદ યુદ્ધ અપરાધોને લઈને પુતિન વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું હતું.
ક્રેમલિન દ્વારા જારી કરાયેલા એક નિવેદન અનુસાર, પુતિન (મોંગોલિયન) રાષ્ટ્રપતિ ઉખ્ના ખુરેલસુખના આમંત્રણ પર ‘જાપાની લશ્કરીવાદીઓ પર સોવિયેત અને મોંગોલિયન સશસ્ત્ર દળોની સંયુક્ત જીતની 85મી વર્ષગાંઠની ઉજવણીના ઔપચારિક કાર્યક્રમોમાં ભાગ લેવા’ મંગોલિયાની મુલાકાત લેશે. પુતિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે શુક્રવારે તેમની દૈનિક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ક્રેમલિનને આગામી મુલાકાત વિશે કોઈ “ચિંતા” નથી: “અમે મંગોલિયાના અમારા મિત્રો સાથે ઉત્તમ વાતચીત કરી છે.”
પુતિનની ધરપકડ કેટલી શક્ય છે?
રોમ સ્ટેચ્યુટ, ICC ની સ્થાપના સંધિ અનુસાર, જો કોઈ વ્યક્તિ જેની સામે ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હોય તો તે ICCના કોઈપણ સભ્ય દેશમાં જાય છે, તો તેની ધરપકડ કરવાની જવાબદારી તે દેશની છે. પરંતુ કોર્ટ પાસે તેના આદેશોનો અમલ કરવા માટે કોઈ અમલીકરણ મિકેનિઝમ નથી.
આવા જ એક હાઈ-પ્રોફાઈલ કેસમાં, જ્યારે સુદાનના તત્કાલિન રાષ્ટ્રપતિ ઓમર અલ-બશીર 2015માં દક્ષિણ આફ્રિકાની મુલાકાતે ગયા હતા, ત્યારે તેમની ધરપકડ કરવામાં આવી ન હતી. દક્ષિણ આફ્રિકા આઈસીસીનું સભ્ય છે. તેમના પગલાની માનવાધિકાર કાર્યકર્તાઓ અને દેશના મુખ્ય વિરોધ પક્ષ દ્વારા આકરી ટીકા કરવામાં આવી હતી.
આ પણ વાંચો – Sunita Williams : કલ્પના ચાવલાને યાદ કરીને સુનિતા વિલિયમ્સ આટલા મહિના સુધી અવકાશમાં રહેશે, નાસાની ચિંતા વધી