અફઘાનિસ્તાનના કાબુલમાં મંગળવારે (7 નવેમ્બર)ના રોજ થયેલા વિસ્ફોટમાં સાત લોકોના મોત થયા હતા અને 20 અન્ય ઘાયલ થયા હતા. આ વિસ્ફોટ બસમાં થયો હતો. હાલમાં સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને મામલાની તપાસ શરૂ કરી દીધી છે.
કાબુલ સુરક્ષા વિભાગના પ્રવક્તા ખાલિદ ઝદરાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું હતું હજુ સુધી કોઈપણ આતંકવાદી સંગઠને આ વિસ્ફોટની જવાબદારી લીધી નથી.
શિયા વિસ્તારોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે
ન્યૂઝ એજન્સી એપીના જણાવ્યા અનુસાર આ હુમલો ત્યારે થયો જ્યારે બસ શિયા મુસ્લિમોને લઈ જઈ રહી હતી. તમને જણાવી દઈએ કે ઈસ્લામિક સ્ટેટ (IS) જૂથના સહયોગી જૂથે આ જ વિસ્તારમાં અગાઉ ઘણી વખત શિયા શાળાઓ, હોસ્પિટલો અને મસ્જિદોને નિશાન બનાવી હતી. આ સિવાય આ જૂથે તાજેતરના વર્ષોમાં અફઘાનિસ્તાનના અન્ય શિયા વિસ્તારોમાં પણ હુમલા કર્યા હતા.
અગાઉ સ્પોર્ટ્સ ક્લબમાં હુમલો થયો હતો
આ વિસ્તારમાં આ બીજો વિસ્ફોટ છે. અગાઉ, ગયા મહિનાના અંતમાં, કાબુલમાં એક સ્પોર્ટ્સ ક્લબમાં ઘાતક વિસ્ફોટ થયો હતો. જેની જવાબદારી ઇસ્લામિક સ્ટેટ જૂથે લીધી હતી. આ હુમલામાં ચાર લોકોના મોત થયા હતા અને સાત ઘાયલ થયા હતા.
તાલિબાને 2021માં સત્તા કબજે કરી હતી
નોંધનીય છે કે તાલિબાને ઓગસ્ટ 2021માં સરકારને હટાવીને સત્તા પર કબજો કર્યો હતો. તાલિબાન સત્તામાં આવ્યા બાદ IS અફઘાનિસ્તાનમાં હિંસક કાર્યવાહી કરી રહ્યું છે. અફઘાનિસ્તાનમાં સત્તામાં રહેલા તાલિબાન વિશ્વભરના દેશો પાસેથી માન્યતાની માંગ કરી રહ્યા છે.