રશિયા અને યુક્રેન ( ukraine russia war ) વચ્ચે યુદ્ધવિરામની વધતી માંગ વચ્ચે યુક્રેનના રાજદૂતે ભારત સમક્ષ મોટી શરત મૂકી છે. તેમણે કહ્યું કે જો ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં તેની સ્થાયી બેઠક ઈચ્છે છે, તો તેણે યુક્રેનમાં રશિયાના યુદ્ધને સમાપ્ત કરવા માટે વધુ સખત મહેનત કરવી જોઈએ. નવી દિલ્હીમાં યુક્રેનના રાજદૂત ઓલેક્ઝાન્ડર પોલિશચુકે કહ્યું કે યુક્રેન ઇચ્છે છે કે ભારત બે લડતા દેશો વચ્ચેની મંત્રણામાં વધુ સક્રિય ભૂમિકા ભજવે અને તે માત્ર એક સંદેશવાહક તરીકે મર્યાદિત ન હોવું જોઈએ. આ માટે ભારતે રશિયા સાથેના તેના જૂના અને ગાઢ સંબંધોનો ઉપયોગ કરવો જોઈએ. અગાઉ, જર્મનીમાં વાર્ષિક સંમેલન દરમિયાન એસ જયશંકરે ભાર મૂક્યો હતો કે રશિયા અને યુક્રેનને વાત કરવી પડશે અને જો તેઓ ઇચ્છે તો ભારત સલાહ આપવા તૈયાર છે.
ભારતમાં યુક્રેન ( ukraine news in gujarati ) ના રાજદૂત ઓલેક્ઝાન્ડર પોલિશચુકે જણાવ્યું હતું કે યુક્રેન ઇચ્છે છે કે ભારત બે યુદ્ધરત દેશો વચ્ચે વાતચીત કરે અને રશિયા સાથેના તેના સંબંધોનો ઉપયોગ કરીને મોસ્કોને શાંતિ મંત્રણામાં જોડાવા માટે સમજાવે. તેમણે કહ્યું કે યુક્રેને ભારતને સંઘર્ષ સમાપ્ત કરવાના હેતુથી નવેમ્બર 2024 પહેલા શાંતિ સમિટનું આયોજન કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
તેમણે વધુમાં કહ્યું કે હજુ એ સ્પષ્ટ નથી થયું કે ભારત અમારા પ્રસ્તાવ સાથે સહમત છે કે નહીં. પોલિશચુકે કહ્યું, “જો ભારત તેના હિતોને પૂર્ણ કરવા માટે યુએન સુરક્ષા પરિષદમાં સ્થાયી બેઠક ઈચ્છે છે, તો તેણે રશિયા સાથે વાતચીતમાં વધુ સક્રિય થવું જોઈએ.” પોલિશચુકે કહ્યું કે ભારતે માત્ર “યુક્રેન અને રશિયા વચ્ચે સંદેશવાહક” તરીકેની ભૂમિકા ભજવીને સંતોષ માનવો જોઈએ નહીં પરંતુ વધુ “મજબૂત ભૂમિકા” ભજવવી જોઈએ.
ભારત અને રશિયા વચ્ચેના સંબંધોનો સંદર્ભ
નોંધનીય છે કે રશિયા અને યુક્રેન વચ્ચે ફેબ્રુઆરી 2022માં શરૂ થયેલા યુદ્ધ બાદ ભારતે રશિયા વિરુદ્ધ જાહેરમાં બોલવાનું ટાળ્યું છે. ભારત લશ્કરી શસ્ત્રો અને સસ્તા તેલ માટે રશિયા પર નિર્ભર છે. બંને દેશો વચ્ચે સંઘર્ષ શરૂ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓગસ્ટમાં પ્રથમ વખત કિવની મુલાકાત લીધી હતી. તાજેતરમાં મોદીએ રશિયા અને કિવની મુલાકાત લીધી હતી અને ઝેલેન્સકી અને પુતિનને મળ્યા હતા. પીએમ મોદીએ બંને દેશોને શાંતિ મંત્રણા કરવા સતત વિનંતી કરી છે. પીએમ મોદીએ બંને દેશોના વડાઓને પોતાના સંદેશમાં કહ્યું હતું કે આ યુદ્ધનો નહીં પરંતુ શાંતિનો યુગ છે.
જયશંકરના નિવેદનનો અર્થ શું છે?
મંગળવારે વિદેશ મંત્રી એસ જયશંકરે જર્મનીમાં વાર્ષિક કોન્ફરન્સ દરમિયાન રશિયા અને યુક્રેન યુદ્ધ પર વાત કરી હતી. જયશંકરે કહ્યું હતું કે રશિયા અને યુક્રેનને જાતે જ વાતચીત માટે આગળ આવવું પડશે. તેમણે એમ પણ કહ્યું કે જો તેઓ ઈચ્છે તો ભારત બંને દેશોને સલાહ આપી શકે છે. તેમણે કહ્યું હતું કે – “અમને નથી લાગતું કે આ સંઘર્ષનો કોઈ ઉકેલ યુદ્ધના મેદાનમાં મળી જશે. ક્યાંકને ક્યાંક વાતચીત કરવી પડશે, તો જ કંઈક ઉકેલ આવી શકે છે.”
બીજી તરફ રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પણ જાહેરમાં સ્વીકાર્યું હતું કે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને ખતમ કરવામાં ભારત સહિત ત્રણ દેશો મહત્વની ભૂમિકા ભજવી શકે છે અને ભારત તેના નિષ્ઠાવાન પ્રયાસો કરી રહ્યું છે. પુતિને કહ્યું હતું કે, “જો યુક્રેન વાટાઘાટોને આગળ વધારવા ઇચ્છુક હોય તો હું પણ તેમ કરી શકું છું.”
નોંધનીય છે કે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ આ અઠવાડિયે મોસ્કોમાં છે અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બ્રિક્સ બેઠક દરમિયાન પુતિન સહિત વરિષ્ઠ રશિયન અધિકારીઓને મળી શકે છે.
આ પણ વાંચો – અમેરિકામાં લોકશાહી પર ચર્ચા દરમિયાન રાહુલ ગાંધી તે શું બોલી ગયા ?