અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી જીત્યા બાદથી ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓની વિશ્વભરમાં ચર્ચા થઈ રહી છે. આવી સ્થિતિમાં, ટ્રમ્પની ચાઇના +1 નીતિ હેઠળ, અમેરિકન ફાર્મા માર્કેટમાં દવાઓના ઉત્પાદન અને તેની સપ્લાય ચેઇનમાં ચીનના એકીકરણમાં ઘટાડો થવાને કારણે ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીઓ માટે લાભ મેળવવાની આ તક હોઈ શકે છે.
આ સિવાય નિષ્ણાતોનું કહેવું છે કે ચીની ચીજવસ્તુઓ પર ટેરિફમાં વધારાને કારણે ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીઓ અમેરિકાના જેનેરિક ડ્રગ માર્કેટમાં જરૂરી સપ્લાયને પહોંચી વળવામાં મોટી ભૂમિકા ભજવી શકે છે.
ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીઓ માટે અમેરિકા મહત્વનું બજાર છે
નિષ્ણાંતોએ વધુમાં જણાવ્યું હતું કે ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીઓ માટે અમેરિકા હંમેશા મહત્વનું બજાર રહ્યું છે. જેમાં કુલ વેચાણમાં તેની ભાગીદારી 30 ટકા અને બજાર હિસ્સો 40 ટકા છે. જો કે, ડ્યુટી માળખું અને ભૌગોલિક રાજકીય નીતિઓમાં ફેરફાર સાથે થોડું જોખમ હોઈ શકે છે. ભારતે વૈશ્વિક જેનરિક ડ્રગ માર્કેટમાં પોતાની જાતને નિશ્ચિતપણે સ્થાપિત કરી છે, જે હવે યુએસની વેપાર અને પુરવઠા નીતિઓમાં ફેરફારથી લાભ મેળવવા માટે સારી સ્થિતિમાં છે.
ભારતીય કંપનીઓએ તક જોવી જોઈએ
સુજય શેટ્ટી, ગ્લોબલ હેલ્થ ઈન્ડસ્ટ્રીઝ એડવાઈઝરી લીડર, PwC ઈન્ડિયાએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર અમેરિકા ફર્સ્ટ પોલિસી અને ઓછા ટેક્સ અને ઓછી ફુગાવાના એજન્ડા સાથે આવવા જઈ રહી છે. જેમાં ભારતીય કંપનીઓએ સપ્લાય ચેઈનનો હિસ્સો બનવાની તક જોવી જોઈએ. તેમણે કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળનો એજન્ડા આગામી સપ્તાહમાં સ્પષ્ટ થઈ જશે. પરંતુ તેમના અગાઉના રાષ્ટ્રપતિ પદના કેટલાક મહત્વના પાસાઓ છે, જેમાં અમેરિકા ફર્સ્ટ વેપાર નીતિ, વિદેશી નિર્ભરતામાં ઘટાડો અને સુરક્ષા (ખાસ કરીને ચીન તરફથી) મહત્વપૂર્ણ છે.