ભારતના વધુ એક દુશ્મન, જે 26/11 મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદનો જમણો હાથ હોવાનું કહેવાય છે, તેનો ખાત્મો થઈ ગયો છે. હાફિઝ સાઈના નજીકના લશ્કરના આતંકવાદી મુફ્તી કૈસર ફારૂકને કરાચીમાં ઠાર કરવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે મુફ્તી લશ્કર-એ-તૈયબા આતંકવાદી જૂથનો મુખ્ય નેતા હતો. તે હાફિઝ સઈદનો સૌથી નજીકનો સહયોગી હતો. કરાચીમાં આતંકવાદી મુફ્તી કૈસર ફારૂકની અજાણ્યા વ્યક્તિઓએ હત્યા કરી હતી. મુફ્તીને કુલ 8 ગોળી વાગી હતી. આ હુમલામાં એક બાળક પણ ઘાયલ થયો છે. આના થોડા દિવસો પહેલા અપ્રમાણિત સમાચાર આવ્યા હતા કે હાફિઝ સઈદના પુત્ર કમાલુદ્દીનની પણ હત્યા કરવામાં આવી છે. અહેવાલો અનુસાર, કમાલુદ્દીન સઈદનું ઘણા દિવસો પહેલા અપહરણ કરવામાં આવ્યું હતું અને પછી તેની હત્યા કરવામાં આવી હતી. પરંતુ હજુ સુધી તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
કૈસર ફારૂક એલઈટીના સ્થાપક સભ્યોમાંનો એક હતો અને 26/11 મુંબઈ આતંકી હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદનો નજીકનો સહયોગી હતો. પાકિસ્તાનના ડોન અખબારે પોલીસ સૂત્રોને ટાંકીને અહેવાલ આપ્યો છે કે, શનિવારે સમનાબાદ વિસ્તારમાં એક ધાર્મિક સંસ્થા પાસે “લક્ષિત હુમલા”માં 30 વર્ષીય કૈસર ફારૂકનું ઠાર કરવામાં આવ્યું હતું. ફારુકને પીઠમાં ગોળી વાગી હતી, તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. ફારુકની હત્યાના દાવા સંબંધિત એક સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આમાં તે કેટલાક બાળકો સાથે ફરતો જોવા મળી રહ્યો છે. અચાનક તેના પર પાછળથી કોઈએ હુમલો કર્યો. આ પછી મુફ્તી ત્યાં પડે છે. આ ઘટનામાં એક બાળક પણ ઘાયલ થયો છે.