નવી દિલ્હીઃ સૌથી મોટા આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાની સ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. હવે સમાચાર આવી રહ્યા છે કે વિરોધીઓ શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના ઘરમાં ઘૂસી ગયા છે. આ પછી રાજપક્ષે પોતાના ઘરેથી ભાગી ગયા છે. સ્થાનિક મીડિયા દ્વારા આ માહિતી બહાર આવી છે. આવા કેટલાક વીડિયો અને તસવીરો પણ સામે આવી છે જેમાં વિરોધીઓ રાષ્ટ્રપતિ રાજપક્ષેના ઘરની અંદર બનેલા સ્વિમિંગ પૂલમાં ન્હાતા જોવા મળે છે. વિરોધીઓ કોલંબોમાં રાષ્ટ્રપતિ કાર્યાલયની અંદર પણ ઘૂસી ગયા છે. જેના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
આ દરમિયાન શ્રીલંકાને વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર પૂર્વ ઓલરાઉન્ડર સનથ જયસૂર્યાની એક તસવીર પણ સામે આવી છે, જેમાં તે રાષ્ટ્રપતિ રાજપક્ષેના રાજીનામાની માંગ સાથે કોલંબોમાં રાષ્ટ્રપતિ કાર્યાલયની બહાર વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોની વચ્ચે ઉભો જોવા મળી રહ્યો છે. જયસૂર્યાએ રાષ્ટ્રપતિના રાજીનામાની પણ માંગ કરી છે. તેણે પોતે જ તેના ટ્વિટર એકાઉન્ટ પરથી આ પ્રદર્શન સાથે જોડાયેલી કેટલીક તસવીરો શેર કરી છે. આ સાથે તેણે લખ્યું કે, હું હંમેશા શ્રીલંકાના લોકોની સાથે ઉભો છું. ટૂંક સમયમાં અમે વિજયની ઉજવણી કરીશું. આ વિરોધ હિંસા વિના ચાલુ રહેવો જોઈએ.”
જયસૂર્યાએ રાષ્ટ્રપતિ રાજપક્ષેને રાજીનામું આપવા વિનંતી કરી
જયસૂર્યાએ અગાઉ એક ટ્વીટ કર્યું હતું, જેમાં તેણે લખ્યું હતું કે, “મારા સમગ્ર જીવનમાં મેં કોઈ પણ દેશના લોકોને આ રીતે એક નિષ્ફળ નેતાને ગાદી પરથી હટાવવાના લક્ષ્ય સાથે એક થતા જોયા નથી. હવે બોલ તમારા કોર્ટમાં છે. કૃપા કરીને આજે શાંતિથી તમારું પદ છોડી દો #GoHomeGota!.અમે એશિયાના સૌથી જૂના લોકશાહીમાંના એક છીએ. તમે તમારી નહીં પણ આ દેશના લોકોની રક્ષા માટે શપથ લીધા છે. આ દેશના લોકોની ફરી કસોટી ન કરો, જેમ મેં પહેલા કહ્યું હતું કે તમે આગ સાથે રમી રહ્યા છો!
પીએમ વિક્રમસિંઘેએ ઈમરજન્સી બેઠક બોલાવી
દરમિયાન વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ તમામ પક્ષોના નેતાઓની ઈમરજન્સી બેઠક બોલાવી છે. દેશની વર્તમાન સ્થિતિ પર ચર્ચા કરવા અને ઝડપી ઉકેલ શોધવા માટે આ બેઠક બોલાવવામાં આવી છે. વડાપ્રધાને સ્પીકર મહિન્દા યાપાને પણ સંસદનું સત્ર બોલાવવા વિનંતી કરી છે.