વૈજ્ઞાનિકોએ કહ્યું- લેબમાંથી લીક થયેલ વાયરસ ની થિયરીને નકારી શકાતી નથી. કોરોના મહામારીની શરૂઆતમાં ચીનના વૈજ્ઞાનિકો, ડોકટરો, પત્રકારોએ જ વાયરસ વિશેની મહત્ત્વપૂર્ણ જાણકારી દુનિયાને જણાવી હતી 2019માં ચીનમાં શરૂ થયેલી કોરોના મહામારી વિશ્વભરમાં કહેર મચાવી રહી છે.એક વર્ષ કરતાં વધુ સમય વીતી ગયો હોવા છતાં એ એક રહસ્ય જ રહ્યું છે કે આ વાયરસની ઉત્પત્તિ ક્યાંથી થઈ છે, દુનિયાના ટોપ વૈજ્ઞાનિકોના એક ગ્રુપનું આ બાબતે કહેવું છે કે કોરોનાવાયરસ શરૂઆત કોઈ લેબમાંથી થઈ છે એ થિયરીને ત્યાં સુધી ગંભીરતાથી લેવી જોઈએ, જ્યાં સુધી એ ખોટી સાબિત ન થાય.
દુનિયાભરમાં ચીનના વુહાન શહેરથી ફેલાયેલા કોરોનાએ અત્યારસુધીમાં 33 લાખથી વધુ લોકોના જીવ લીધા છે, જ્યારે કરોડો લોકો એની ઝપેટમાં આવી ચૂક્યા છે.કુલ 18 લોકો વિશ્વના ટોપ વૈજ્ઞાનિકોની ટીમમાં સામેલ છે, જેમણે વાયરસ વિશેની મહત્ત્વપૂર્ણ માહિતી મેળવી છે.આ ટીમમાં ફ્રેડ હચિંસન કેન્સર રિસર્ચ સેન્ટરમાં વાયરસના ઇવોલ્યુશનનો અભ્યાસ કરનાર જેસી બ્લૂમ તથા કેમ્બ્રિજ યુનિવર્સિટીના ક્લિનિકલ માઇક્રોબાયોલોજિસ્ટ રવીન્દ્ર ગુપ્તા, પણ સામેલ છે. તેમનું કહેવું છે કે મહામારીની ઉત્પત્તિ મુદ્દે અંતિમ નિર્ણય પર પહોંચવા માટે હજી વધુ તપાસની જરૂર છે.સ્ટેનફોર્ડના માઇક્રોબાયોલોજીના પ્રોફેસર ડેવિડ રેલમેન સહિતના વૈજ્ઞાનિકોએ સાયન્સ જર્નલમાં જણાવ્યું હતું કે વાયરસનું કોઈ લેબ અને જિનેટિક સ્પીલઓવર બંનેમાંથી બહાર નીકળવાની થિયરીને નકારી શકાતી નથી. તેમણે કહ્યું હતું કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વાયરસની ઉત્પત્તિ સંબંધિત તપાસમાં એ વાત પર યોગ્ય રીતે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું નથી કે વાયરસ લેબમાંથી પણ બહાર આવી શકે છે.
આ પહેલાં ચીની વૈજ્ઞાનિકો સાથે સંયુક્ત રીતે લખેલી WHOની ટીમે કહ્યું હતું કે શક્યતા છે કે ચામાચીડિયામાંથી વાયરસ કોઈ બીજા પ્રાણી દ્વારા માણસોમાં આવી શક્યો હોય. લેબમાંથી બહાર આવે એ થિયરીની સંભાવના નથી. WHOની ટીમે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં વુહાન અને તેની આસપાસના વિસ્તારોમાં 4 અઠવાડિયાં સુધી તપાસ હાથ ધરી હતી.વૈજ્ઞાનિકોની ટોપ ટીમે કહ્યું હતું કે અમને પૂરતા ડેટા મળે નહીં ત્યાં સુધી પ્રાકૃતિક અને લેબ બંનેમાંથી બહાર આવવાની થિયરીને ગંભીરતાથી લેવી જોઈએ. કેટલાક દેશોમાં એશિયન દેશો સામે વિરોધની લાગણી જોવા મળી રહી છે. આ એકદમ દુર્ભાગ્યપૂર્ણ છે. આપણે એ પણ નોંધવું જોઇએ કે મહામારીની શરૂઆતમાં ચીનના ડોકટરો, વૈજ્ઞાનિકો, પત્રકારો અને નાગરિકો જ હતા, જેમણે વાયરસ વિશે મહત્ત્વપૂર્ણ જાણકારી દુનિયા સાથે શેર કરી હતી અને મોટી વ્યક્તિગત કિંમત પર.