મ્યાંમારમાં સેનાએ સત્તા માટે પોતાની જ જનતા પર એટલી ક્રુરતા ગુજારી રહી છે કે જેની કોઇ સીમા નથી. સત્તા પોતાના હાથમાં લીધા બાદ હિંસક વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે. દરમિયાન સૈન્ય દ્વારા પ્રદર્શનકારીઓ પર અત્યાચાર યથાવત છે. રવિવારે મ્યાંમારમાં મોટી સંખ્યામાં અનેક મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
આ મૃતદેહો પ્રદર્શનકારીઓના હતા જેઓ સૈન્યના અત્યાચારને કારણે મોતને ભેટયા છે. દરમિયાન રવિવારે કેરેન રાજ્યમાં ગામડાઓ પર એરસ્ટ્રાઇક કરી હતી જેમાં અનેક નાગરિકો માર્યા ગયા હતા. જ્યારે ડરના માર્યા ત્રણ હજારથી વધુ નાગરિકો મ્યાંમારની સરહદ પાર કરીને પાડોશી દેશ થાઇલેંડ જતા રહ્યા હતા.
શું છે સમગ્ર વિવાદ ?
પહેલી તારીખથી મ્યાંમારમાં સત્તા પલટો થયો તે બાદ થયેલા ઘર્ષણમાં થયેલી હિંસામાં 423 લોકોના મોત નિપજ્યા છે. શનિવારે જ 114 લોકોના મોત નિપજ્યા હતા. પાંચ દસકા સુધી મ્યાંમારમાં સૈન્યનું શાસન રહ્યું, જોકે આંગ સાંગ સુકીએ લોકશાહીના સમર્થનમાં કેમ્પેઇન ચલાવ્યું અને સરકાર બનાવી હતી જે લાંબો સમય ન ચાલી અને ફરી સૈન્યના હાથમાં સત્તા જતી રહી છે.
જેને પગલે હાલ મ્યાંમારમાં ખુલ્લેઆમ સૈન્ય લોકોની હત્યાઓ કરી રહ્યું છે. બીજી તરફ મ્યાંમારમાં હવે સિવિલ વોરના મંડાળ જેવી સ્થિતિ છે. કેરેન રાજ્યમાં હવાઇ હુમલા બાદ ત્રણ હજારથી વધુ ગ્રામજનો મ્યાંમાર છોડીને પાડોશી દેશ થાઇલેન્ડ ભાગી ગયા હતા.