1990 ના દાયકાની શરૂઆતમાં ભારતમાં પ્રથમવાર ડ્રેગન ફ્રૂટનું ઉત્પાદન થયું હતું. હાલ વિવિધ રાજ્યોના ખેડૂતો દ્વારા ડ્રેગન ફ્રૂટની ખેતી કરવામાં આવી રહી છે. બજારમાં ડ્રેગન ફ્રૂટની માગ વધતા ખેડૂતો તેની ખેતી તરફ વળ્યા છે.દેશ કૃષિ ક્ષેત્રે સતત નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. દેશના દૂરના ભાગોમાં ફળો અને શાકભાજી મોકલવાની સાથે હવે અન્ય દેશોમાં પણ નિકાસ વધી રહી છે. ‘મન કી બાત’ કાર્યક્રમમાં વડાપ્રધાને બિહારની લીચીનો ઉલ્લેખ કર્યો હતો. ખેડૂતો કેવી રીતે તેમનું ઉત્પાદન અને વેચાણ કરી સન્માનજનક જીવન જીવી રહ્યા છે. ખેતીના આ બદલાવ સાથે એક નવો અધ્યાય શરૂ થયો છે. દેશના મહારાષ્ટ્ર રાજ્યમાંથી ડ્રેગન ફ્રૂટને પ્રથમ વખત નિકાસ કરી શનિવારે દુબઈ મોકલવામાં આવ્યું છે.
ફાઇબર અને ખનિજ તત્વોથી ભરપૂર ડ્રેગન ફ્રૂટ ‘કમલમ’ તરીકે પણ ઓળખાય છે. ડ્રેગન ફ્રૂટ દુબઈ નિકાસ કરવા માટે મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના તડાસર ગામના ખેડૂતો પાસેથી મંગાવવામાં આવ્યા હતા. એપેડા માન્ય નિકાસકાર દ્વારા પ્રોસેસ કરી ડ્રેગન ફ્રૂટને પેક કરવામાં આવ્યા હતા. ડ્રેગન ફુટની મુખ્યત્વે મલેશિયા, થાઇલેન્ડ, ફિલિપાઇન્સ, અમેરિકા અને વિયેતનામ જેવા દેશોમાં ખેતી કરવામાં આવે છે.હાલ ડ્રેગન ફ્રૂટની ખેતી કર્ણાટક, કેરળ, તમિલનાડુ, મહારાષ્ટ્ર, ગુજરાત, ઓડિશા, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ અને આંદામાન અને નિકોબાર આઇલેન્ડમાં થાય છે. તેની ખેતી માટે ઓછા પાણીની જરૂર પડે છે અને જુદા-જુદા પ્રકારની જમીનમાં ઉગાડવામાં આવે છે. ડ્રેગન ફળની મુખ્ય ત્રણ જાતો છે, સફેદ પલ્પવાળું ફળ, ગુલાબી રંગનું ફળ, લાલ પલ્પવાળું ફળ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં જુલાઈ-2020 માં ગુજરાતના શુષ્ક કચ્છ વિસ્તારમાં ડ્રેગન ફ્રૂટના વાવેતરનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ઉત્પાદનમાં ભારતની આત્મનિર્ભરતા સુનિશ્ચિત કરવા માટે ડ્રેગન ફ્રૂટની ખેતી કરવા બદલ કચ્છના ખેડૂતોને અભિનંદન આપ્યા હતા.એપેડા કૃષિ પેદાશોના નિકાસને પ્રોત્સાહન આપવા માટે માળખાગત વિકાસ, ગુણવત્તા વિકાસ અને બજાર વિકાસ પર ભાર મૂકે છે. આ ઉપરાંત વાણિજ્ય વિભાગ વિવિધ યોજનાઓ જેવી કે નિકાસ યોજના માટેના વ્યવસાયિક માળખાગત સુવિધાઓ, બજાર વપરાશ વગેરે દ્વારા પણ નિકાસને પ્રોત્સાહન આપે છે.
શાંતિશ્રમ ન્યૂઝ - Since 1992 - છેલ્લા 33 વર્ષથી ગુજરાતની તથા વિશ્વભરની જનતાને મહત્વપૂર્ણ સમાચારો આપતી. તેમજ 1 કરોડથી પણ વધુ ગુજરાતીઓની પસંદ શાંતિશ્રમ ન્યૂઝ.