એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ચીન સંચાલિત ફિનટેક કંપનીઓને લઇને મોટો દાવો કર્યો છે. ઇડીએ ચોંકાવનારો દાવો કરતા કહ્યું છે કે, ચીનના ફંડિગથી ચાલી રહેલી અનેક ફિનટેક કંપનીઓ અને નોન બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ (NBFCs)એ 940 કરોડ રૂપિયાની ગેરકાયદે કમાણી કરી છે. દેશમાં સંચાલન કરતા આ કંપનીઓએ આરબીઆઇના દિશા-નિર્દેશોનું ઉલ્લંઘન કર્યું છે અને ઉધાર આપીને લોકોને લૂંટ્યા છે.
ઇડીએ બુધવારે દાવો કર્યો હતો કે, આ કંપનીઓ ચીન અને હોંગકોંગના કેટલાક લોકોના ઇશારે કામ કરી રહી હતી. મની લોન્ડરિંગ મામલે તપાસમાં ઇડીને જાણવા મળ્યું કે, તેઓએ એનબીએફસી સાથે કરાર કર્યા છે અને ગેરકાયદેસર રીતે તત્કાળ લોન ઉપલબ્ધ કરવાના વેપારમાં પ્રવેશ કર્યો છે. ઇડીએ હાલમાં જ 86.65 કરોડ રૂપિયા ટાંચમાં લીધા છે.
આ રકમ કુલ 155 બેન્કો અને કુડોસ ફાઇનાન્સ, એસ મની ઇન્ડિયા લિ., રાઇનો ફાઇનાન્સ પ્રા. લિ. અને પાયનિયર ફાઇનાન્સિયલ એન્ડ મેનેજમેન્ટ સર્વિસીઝ પ્રા.લિ. જેવી ફિનટેક કંપનીઓના પેમેન્ટ ગેટવેમાં હાજર હતી. આ રકમને અટેચ કરવાનો અંતિમ આદેશ મની લોન્ડરિંગ પ્રોટેક્શન એક્ટની ફોજદારી કલમો અંતર્ગત જારી કરાયો છે.
નિષ્ક્રિય કંપનીઓ સાથે કરાર કરે છે
ઇડીએ દાવો કર્યો છે કે, આ એનબીએફસી 7 થી 3 દિવસમાં પર્સનલ લોન આપે છે. ફિનટેક કંપનીઓ લોકોને લોન આપવા માટે ભારતની નિષ્ક્રિય કંપનીઓ સાથે કરાર કરે છે, જેથી તેઓનું લાઇસન્સ જળવાઇ રહે. ફિનટેક કંપનીઓને રિઝર્વ બેંક પાસેથી એનબીએફસીનું નવું લાઇસન્સ નથી મળી શકતું.
ગ્રાહકોને જોડવાનું માત્ર એક બહાનુ:
એવું દેખાડવામાં આવે છે કે, એનબીએફસીએ ગ્રાહકોને જોડવા માટે આ કંપનીઓની સેવા લીધી છે, પરંતુ વાસ્તવમાં સરળતાપૂર્વક લાઇસન્સ પ્રાપ્ત કરવા માટે આવું કરે છે. આ મામલે ઇડીએ અત્યારસુધીમાં કુલ 158.97 કરોડ રૂપિયા જપ્ત કર્યા છે.