છેલ્લા એક વર્ષમાં ભારતે ઘણા બધા દેશોમાં અટવાયેલા નાગરિકોને પરત લાવવા માટે વંદે ભારત મિશન હેઠળ ફ્લાઈટ્સ મોકલી હતી. કેટલાક દેશો સાથે ભારતે ‘એર બબલ’ સ્થાપિત કર્યું હોવાથી ત્યાંથી ફ્લાઈટનું આવાગમન થતું હોય છે. મહામારી વચ્ચે 20 દેશોએ ભારતથી આવતી ફ્લાઈટસ પર પ્રતિબંધ મૂક્યો છે કે ભારતથી આવનારા પ્રવાસીઓ પર કડક નિયંત્રણો લાદ્યા છે.
કોરોનાના સેકન્ડ વૅવને કારણે સરકારે આંતરરાષ્ટ્રીય કમર્શિયલ ફ્લાઈટ્સ પરનો પ્રતિબંધ જુનના અંત સુધી લંબાવવાનો નિર્ણય જાહેર કર્યો છે. જોકે, વંદે ભારત મિશન અને ભારત તેમજ અન્ય કેટલાક દેશો વચ્ચે સહમતીથી ફ્લાઈટ્સનું આવા-ગમન જારી છે, તે ચાલુ રહેશે.
તેમજ સરકારના નોર્મ્સ પ્રમાણે લાયક મુસાફરો દેશમાં આવી તેમજ જઈ શકશે. નોંધપાત્ર છે કે, કોરોનાના કારણે 23મી માર્ચ, 2020ના રોજ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ બંધ કરી દેવામાં આવી હતી.
મહામારીના પગલે મૂકવામાં આવેલા આંતરરાષ્ટ્રીય કમર્શિયલ ફ્લાઈટ્સ પરના પ્રતિબંધને 15 મહિના પસાર થઈ ગયા છે, પણ પરિસ્થિતિ જોતા સરકાર હજુ આ મામલે કોઈ છુટછાટ આપવા માગતી નથી.
ડીજીસીએએ જણાવ્યું છે કે, અમારો આ નિર્ણય આંતરરાષ્ટ્રીય ઓલ-કાર્ગો ઓપરેશન તેમજ ડીજીસીએ દ્વારા ખાસ માન્યતા પ્રાપ્ત ફ્લાઈટ્સ પર લાગુ નહી પડે. આંતરરાષ્ટ્રીય કર્મશિયલ ફ્લાઈટ્સને પસંદગીના રૂટ પર સંબંધિત જવાબદાર સત્તાધીશો દ્વારા કેસ ટુ કેસ બેઝ પર મંજુરી આપવામાં આવી શકે છે.