વેંકૂવરથી 250 કિલોમીટર લિટ્ટોન નામના ગામમાં બુધવારે રાત્રે અચાનક ભીષમ આગ લાગી હતી. જોત-જોતામાં આગ આખા ગામમાં પ્રસરી ગઇ હતી. એક રિપોર્ટ મુજબ, કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતમાં આવેલું લિટ્ટોન નામનું ગામ ભયાનક આગમાં લગભગ ખાક થઈ ગયું છે, લિટ્ટોન ગામ અને એની આસપાસ રહેતા લગભગ 1000 જેટલા લોકો અફરાતફરીમાં પોતપોતાનાં ઘર છોડી અન્યત્ર જતાં રહ્યા છે. તો તંત્ર દ્વારા પણ લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.
કેનેડા અને અમેરિકાના ઓરેગન શહેરમાં ભીષણ ગરમી પડી રહી છે. ગરમીએ ત્યાં તમામ રેકોર્ડ તોડી નાખ્યાં છે. આ વચ્ચે પશ્ચિમ કેનેડામાં ગરમીની આ લહેરની વચ્ચે ભીષણ આગ લાગી, આગમાં અહીં મોટાભાગના લોકોના ઘરો બળીને ખાક થઈ ગયા છે. મેયર જોન પોલ્ડરમેને નિવેદનમાં જણાવ્યું છે કે, ‘આ આગ પ્રકૃતિ અને સ્થાનિકોની સુરક્ષા માટે જોખમ છે.’
સંસદના એક સ્થાનિક સભ્યએ કહ્યું હતું કે ગામમાં લગભગ 90 ટકા જેટલો ભાગ આગમાં ખાક થઈ ગયો છે. લિટ્ટોન ગામના રહેવાસીઓ આગથી બચવા સલામત સ્થળે જતા રહ્યા છે. તેમના પરિવારજનો તેમની ભાળ મેળવવા માટે સોશિયલ મીડિયા પર પણ સતત પોસ્ટ મૂકી રહ્યા છે, જેથી તેમને કોઈ માહિતી મળી શકે.