20 વર્ષ સુધી અફઘાનિસ્તાનના નવ-નિર્માણની ગુલબાંગો હાંક્યા પછી અમેરિકાએ એ દેશ છોડ્યો ત્યારે ગુલાબી ચિત્ર દેખાવું જોઈતું હતું. તેના બદલે જગતના ચોતરે અફઘાનિસ્તાનનું ચીરહરણ થઈ રહ્યું છે. તેમાં અફઘાનિસ્તાની સત્તાધિશો તો જવાબદાર છે જ પણ સૌથી મોટું જવાબદાર અમેરિકા છે. અમેરિકાએ કેટલીક ભૂલો કરી જે ન કરી હોત તો દેશની આટલી હદે અવદશા ન થઈ હોત.
અફઘાનિસ્તાનમાં અમેરિકા લાદેનને પકડી તેના આતંકી સંગઠન અલ-કાયદાને ખતમ કરવા માંગતુ હતુ. અફઘાનિસ્તાનમાં હુમલા પછી લાદેન માર્યો ગયો પરંતુ અલ-કાયદા કે તાલિબાન જેવા આતંકી સંગઠનો ખતમ ન થયા. એ પછી અમેરિકાએ વર્ષો સુધી અફઘાનિસ્તાનમાં શું કર્યું એ સૌથી મોટો સવાલ છે. બે દિવસ પહેલા અમેરિકી પ્રમુખ બાઈડેને ટ્વિટ કરી કે રાષ્ટ્રનિર્માણ કરવું એ અમારી પ્રાથમિકતા ન હતી. જ્યારે જ્યોર્જ બુશ, ઓબામા વગેરે એવી વાતો કરતાં હતા કે અમે અફઘાનિસ્તાનનું નવનિર્માણ કરીને પછી જ ત્યાંથી બહાર નીકળીશું. ટૂંકમાં અફઘાનિસ્તાનમાં અમેરિકા શું કરવું એ એમને પોતાને જ ખબર ન હતી.
અફઘાનિસ્તાનમાં બ્રિટને 3 વાર હુમલો કર્યો, રશિયાએ એક વાર અને પછી અમેરિકાએ. બધાને નિષ્ફળતા જ મળી. કેમ કે એ કોઈએ ત્યાંની સંસ્કૃતિને સમજવાનો પ્રયાસ ન કર્યો. અમે તો વિશ્વ વિજેતા છીએ, જ્યાં જઈશું ત્યાં નામના મેળવીશું એવો અમેરિકાને ફાંકો હતો જે નીકળી ગયો છે. અફઘાનિસ્તાન એ બે હજાર વર્ષ પહેલા બોદ્ધધર્મી દેશ હતો. પછી ઈસ્લામીક શાસન આવ્યું. એમાં પણ વિવિધ વિસ્તારો પ્રમાણે સંસ્કૃતિ સાવ અલગ અલગ હતી. એટલે આખા અફઘાનિસ્તાનને પાઘડીવાળા પઠાણનો દેશ સમજી લેનારા દેશને ત્યાં સફળતા ન જ મળે. તાલિબાન, મુઝાહિદ્દીન, અલ-કાયદા બધા સંગઠનો અલગ અલગ છે અને કેટલાક કિસ્સામાં તો એકબીજાના દુશ્મનો પણ છે. એમને એક સમજી લેવાની ભૂલ પણ ભારે પડી છે. અફઘાનિસ્તાનની રાજનીતિ સદીઓથી લોહિયાળ રહી છે. ત્યાં કોઈને પણ મારી નાખવો એ પળવારની જ ઘટના છે. ત્યાંની પ્રજાને મોતનો ડર નથી એટલે અમેરિકાના આધુનિક મિસાઈલ્સ કે પછી ઘાતક ડ્રોનનો ડર ક્યાંથી લાગે?
અફઘાનિસ્તાનમાં જઈ કેટલા સમયમાં સફળતા મેળવીશું, આતંકીઓના ખાત્મા માટે કેટલું બજેટ જોઈશે, કેટલા સમય સુધી રહી શકાશે.. એવી કોઈ નીતિ અમેરિકાએ ક્યારેય બનાવી નહીં. એટલે અનેક વખત અફઘાનિસ્તાનમાંથી સૈન્ય પાછા ખેંચવાની ડેડલાઈન વધારવી પડી. પોણા 3 ટ્રિલિયન (લાખ કરોડ) ડોલરનો ખર્ચ થયો અને સેંકડો સૈનિકો મૃત્યુ પામ્યા, ઘવાયા એ તો અલગ. 20 વર્ષ સુધી રહ્યા પછી અમેરિકા કંઈ ઉકાળી ન શક્યું, ઉલટાના અફઘાની નાગરિકોને ઉકળતા ચરુ જેવી સ્થિતિમાં મુકતુ ગયું તેનું એક કારણ દૂરંદેશીનો અભાવ પણ છે.
અમેરિકાની આદત રહી છે કે કોઈ વાંધાગ્રસ્ત દેશમાં પ્રવેશી ત્યાંના પ્રશ્નો ઉકેલે અને પછી વિકાસ માટે જરૃરી પ્રાથમિક સુવિધાઓ ઉભી કરે. અફઘાનિસ્તાનમાં એમ જ કરવાનું હતું. એટલે રોડ, પુલ, વીજ મથકો વગેરે બાંધકામો અમેરિકાએ આદર્યા અથવા તો અમેરિકાના સાથીદેશો પાસે શરૃ કરાવ્યા. પણ તેમાંથી બહુ ઓછા પુરા થઈ શક્યા. એટલે અફઘાન નાગરિકો સમજી ગયા કે અમેરિકાની ત્રેવડ નથી. અમેરિકા વિરોધી તાલિબાન જેવા તત્વો પણ સમજી ગયા કે અમેરિકા ધુપ્પલ ચલાવે છે. અફઘાન ધરતી પર ટાઈમપાસ કરે છે.
અમેરિકી સૈન્ય શક્તિશાળી છે, આધુનિક અને અતિ મોંઘા શસ્ત્રોથી સજ્જ છે. સામે તાલિબાનોને માંડ એકે-47 ચલાવતા આવડે છે. એટલે જ તો અમેરિકનો છોડીને ગયેલા હેલિકોપ્ટરમાં એક તાલિબાની સૈનિક કૂતુહલતાથી ઘૂસી તપાસ કરતો હોય એવો વીડિયો ફરી રહ્યો છે. પણ મૂળ વાત એ છે કે અફઘાનિસ્તાનમાં લડી શકે એવા સૈનિકો અમેરિકા પાસે ન હતા, આજેય નથી. વળી રોટેશનને કારણે અફઘાનમાં કામ કરીને અમેરિકી સૈનિકો પરત જતાં હતા, ત્યાંથી નવી ટૂકડીઓ આવતી હતી. એ ટૂકડીઓ માટે અફઘાનિસ્તાન નવી ભૂમિ હતી અને તેમની કલ્પના કરતા ઘણી કઠીન હતી. સૈનિકો ઉપરાંત અન્ય કામગીરી કરનારાઓ પણ કુશળ માણસો અમેરિકા પાસે ન હતા, જે આ પઠાણી ભૂમિ પર ચાલે.
અમેરિકાએ 2001માં અફઘાનિસ્તાનમાં પ્રવેશ કર્યો ત્યારે ત્યાંની પ્રજા પરેશાન હતી. 2021માં દેશ છોડ્યો ત્યારે પણ પરેશાન હતી. 2001 પહેલાના દાયકાઓથી પરેશાન જ હતી. એટલે એ પ્રજાને પહેલી જરૃર રોજગારી, આર્થિક વિકાસ, સ્થિર સાશન વગેરેની હતી. અમેરિકા એ કંઈ આપી ન શક્યું. જે કંઈ આપ્યું એ ટૂંકા ગાળા માટે રહ્યું, લાંબા ગાળે પ્રજા સંતૃષ્ટ ન થઈ. તેનો લાભ તાલિબાનો ઉઠાવે છે.
બાબર, તૈમુર, સિકંદર, ગઝની, મોગલો, અંગ્રેજો અને રશિયનો પણ જ્યાં ફાવી ન શક્યા એ અફઘાન ભૂમિ પર પગ મુકતા પહેલા અમેરિકાએ ઈતિહાસનો અભ્યાસ ન કર્યો. જો ઈતિહાસમાંથી શીખ લીધી હોત તો આતંકીઓના ખાત્મા પછી તુરંત એ દેશ છોડી દીધો હોત. એ ઉપરાંત અમેરિકાએ અફઘાનિસ્તાનમાં પોતે જ કરેલી ભૂલો પણ રિપિટ કરી.
હકીકત એવી છે કે છેલ્લા દસેક વર્ષથી અમેરિકાને એવુ લાગતુ હતું કે અફઘાનિસ્તાન નામના કાદવમાં તેમનો પગ ખૂંપી ગયો છે. કોઈ પણ રીતે એ પગ કાઢવાનો જ હતો. આજ-કાલ કરતા અમેરિકાએ વર્ષો કાઢી નાખ્યા. દિવસે-દિવસે સ્થિતિ બગડતી જતી હતી અને વળી અમરિકી સૈનિકો ત્યાં રહેવા રાજી ન હતા. અમેરિકી પ્રજા પણ ત્યાં વપરાતા અઢળક નાણા સામે વિરોધ કરતી હતી. અન્ય દેશોએ તથા અમેરિકી નિષ્ણાતોએ વારંવાર ચેતવણી આપી હતી કે અફઘાનિસ્તાનમાંથી સૈન્ય ખેંચી લેવાનો આ યોગ્ય સમય નથી. છતાંય અમેરિકાએ સૈન્ય પાછું ખેંચી લીધું.. તેનું પરિણામ જગત સામે છે.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268