આ અગાઉ ૨૦૨૦માં કોરોનાની પ્રથમ લહેર બેન્કે રિઝર્વ રેશિયોમાં ઘટાડો કર્યો હતો. જે બેન્કો પાંચ ટકાના આરઆરઆરને પાત્ર છે તેમને વર્તમાન ઘટાડામાંથી બાકાત રખાઈ છે. મજબૂત રિકવરી બાદ ચીનમાં અર્થતંત્ર મંદ પડી રહ્યાના સત્તાવાળાને સંકેત મળી રહ્યા છે. કોમોડિટીઝના વધી રહેલા ભાવ ચીનના વેપાર ઉદ્યોગ માટે પ્રતિકૂળ સાબિત થઈ રહ્યા છે. ઉપભોગ ખર્ચમાં ઘટાડો થતાં સેવા ક્ષેત્ર પર પણ અસર પડી છે. વર્તમાન વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ચીનનો આર્થિક વિકાસ દર ૧૮.૩૦ ટકા રહ્યા બાદ બીજા ત્રિમાસિક ગાળા માટેનો આ દર ૮ ટકા રહેવા અર્થશાસ્ત્રીઓ અપેક્ષા રાખી રહ્યા છે. બીજા ત્રિમાસિક ગાળાના આંકડા આવતા સપ્તાહે જાહેર થનાર છે.
રિઝર્વ રેશિયોમાં કપાતની માત્રા અપેક્ષા કરતા વધુ છે. વર્તમાન વર્ષના પ્રથમ ૬ મહિનામાં લિક્વિડિટી પૂરી પાડવામાં ચીનની કેન્દ્રીય બેન્ક સાવચેત રહી હોવાનું ધ્યાનમાં રાખતા આજનો નિર્ણય એકદમ વિપરીત હોવાનું એક વિશ્લેષકે જણાવ્યું હતું.
બેન્કો પાસે વધુ નાણાં ઉપલબ્ધ બનાવવા ચીનની કેેન્દ્રીય બેન્ક રિઝર્વ રેશિયોમાં ઘટાડો કરશે તેવી સ્ટેટ કાઉન્સિલ, જે ચીનની કેબિનેટને સમકક્ષ છે તેણે સપ્તાહના પ્રારંભમાં સંકેત આપ્યા હતા.
ચીનમાં ખર્ચના બોજા હેઠળના લઘુ ઉદ્યોગોને બેન્કો વધુ નાણાં ધિરી શકશે એવો મત પ્રવર્તી રહ્યો છે. ચીનના બીજા ત્રિમાસિક ગાળાના જીડીપી આંકડા જાહેર થવાના એક સપ્તાહ પહેલા જ આ નિર્ણય આવી પડયો છે.
૧૫ જુલાઈથી લાગુ થનારા આ નિર્ણયને કારણે ચીનના અર્થતંત્રમાં અંદાજે ૧૫૪ અબજ ડોલર (એક ટ્રિલિયન યુઆન) જેટલી વધારાની લિક્વિડિટીનો ફલો થશે, એમ બેન્ક દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવાયું હતું.
આરઆરઆરમાં કપાતની જાહેરાત બાદ ચીનના ૧૦ વર્ષના સરકારી બોન્ડની યીલ્ડમાં ચાર બેઝિસ પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો. ચીન દ્વારા આરઆરઆર કપાતના નિર્ણયથી અન્ય દેશોની કેન્દ્રીય બેન્કો વિમાસણમાં મુકાઈ ગઈ છે. અમેરિકન ફેડરલ રિઝર્વે બોન્ડ બાઈંગ કાર્યક્રમ પર કાપ મૂકવાના તાજેતરમાં સંકેત આપ્યા હતા. સ્ટીમ્યુલ્સ પાછા ખેંચવામાં ચીનની કેન્દ્રીય બેન્ક અન્ય દેશો કરતા આગળ હતી પરંતુ તેમાંથી તે ફરી પીછેહઠ કરી રહી છે.