મોરબી પોલીસનું ગૌરવ, મહિલા પોલીસ કર્મીએ માઉન્ટ એવરેસ્ટ પર 15,800 ફૂટ સુધીનું કપરું ચઢાણ પૂર્ણ કર્યું સાહસિક વ્યક્તિઓ જાનની પરવા કર્યા વિના પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરી પડકારોનો સામનો કરતા હોય છે. મોરબીના આવા જ એક મહિલા પોલીસકર્મી ભૂમિબેન પટેલે આજે માઉન્ટ એવરેસ્ટની તાલીમ પૂર્ણ કરી 15,800 ફૂટ સુધીનું કપરું ચઢાણ પૂર્ણ કરી મોરબીનું નામ રોશન કર્યું છે. ભૂમીબેને માઉન્ટ એવરેસ્ટની બેઝિક તાલીમ પૂર્ણ કરી તેમણે મનાલી શિખર, લદાખી શિખર અને સેતીધર શિખરના બેઝ કેમ્પ સુધી 15,800 ફૂટ સુધીનું કપરું ચઢાણ પૂર્ણ કર્યું છે. અને ગુજરાત પોલીસનો ધ્વજ લહેરાવ્યો હતો. નોંધનીય છે કે આ પૂર્વે પણ ગિરનાર આરોહણ અવરોહણ જેવી અનેક સ્પર્ધાઓમાં વિજેતા થઈને મોરબી પોલીસના પોલીસકર્મીઓએ પોતાનું કૌવત દેખાડ્યું હતું.
અગાઉ ભૂમિ પટેલ ગીરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી તેમજ રાષ્ટ્રીય કક્ષાએ પણ વિજેતા બનીને મોરબી પોલીસનું ગૌરવ વધાર્યું છે અને હવે માઉન્ટ એવરેસ્ટ પર કપરું ચઢાણ પૂર્ણ કરીને તેઓએ વધુ એક સિદ્ધિ પ્રાપ્ત કરી છે