બાબરા તાલુકાના કરીયાણામા આવેલ આંગણવાડી કેન્દ્ર-47નુ બિલ્ડીંગ જર્જરિત હાલતમા બની ગયુ છે. અહી આવતા બાળકો માથે જાણે જીવનુ જોખમ હોય તેવુ જોવા મળી રહ્યું છે. અહી અવારનવાર સ્લેબમાથી પોપડા નીચે પડી રહ્યાં છે. જો કે તેમ છતા તંત્ર દ્વારા આ દિશામા કોઇ ધ્યાન અપાતુ નથી. કરીયાણામા આવેલ આંગણવાડીનુ બિલ્ડીંગ પાછલા ઘણા સમયથી જર્જરિત બની ગયુ છે.
અહી ગામના નાના ભુલકાઓ આવતા હોય છે. ત્યારે કોઇ ગંભીર દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ તેવા સવાલો પણ ઉઠી રહ્યાં છે. હાલ ચોમાસુ પણ માથે છે તેવા સમયે આ જર્જરિત બિલ્ડીંગમા અવારનવાર પોપડા નીચે પડી રહ્યાં છે. સ્થાનિક તંત્ર દ્વારા અહી આંગણવાડીનુ નવુ બિલ્ડીંગ બનાવવા કોઇ મંજુરી પણ આપવામા આવતી નથી. જેના કારણે હાલ નાના ભુલકાઓ આવા જર્જરિત બિલ્ડીંગમા બેસી રહ્યાં છે.
જિલ્લા પંચાયતના સભ્ય અને કારોબારી સમિતિના ચેરમેન નિતીનભાઇ રાઠોડ દ્વારા આંગણવાડી કેન્દ્રની રૂબરૂ મુલાકાત લેવામા આવી હતી. અને અહી આંગણવાડી કેન્દ્રનુ નવુ બિલ્ડીંગ બનાવવામા આવે અને જયાં સુધી બિલ્ડિંગ ન બને ત્યાં સુધી ગામમા અન્ય જગ્યાએ આંગણવાડી ચલાવવામા આવે તે અંગે જિલ્લા વિકાસ અધિકારીને પત્ર પાઠવી રજુઆત પણ કરી હતી.