- ગુજરાત સરકારની ભરતીઓની સાથે કેન્દ્રની ભરતીઓમાં ગોટાળા થતા હોવાના આક્ષેપો
યુવરાજસિંહ જાડેજા વધુ એકવાર સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં થતી છેતરપિંડીના આક્ષેપ કર્યા છે. તેઓ ખોટી ભરતીઓ થઈ હોય તેના ખુલાસા કરતા રહે છે, તેમણે આ વખતે પણ વધુ કેટલાક ખુલાસા કર્યા છે. જેમાં તેમણે દિયોદરના કેતન કુમાર શાહ અને રણજીત ઓડના નામનો ખુલાસો કરીને કેટલીક માહિતી આપી છે. કેતન અને રણજીત દ્વારા સરકારી ભરતીઓમાં લોકોને ખોટી રીતે લગાડવાનું કામ કરતા હોવાનો ખુલાસો યુવરાજસિંહે કર્યો છે.
ગુજરાત સરકારની ભરતીઓની સાથે કેન્દ્રની ભરતીઓમાં ગોટાળા થતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. આ સાથે યુવા નેતાએ આ અંગે પોલીસને જાણ કરી હોવાની વિગતો પણ જણાવી છે.
કેતન અને રણજીતના નામનો ઉલ્લેખ કરીને કેટલાક મોટા આક્ષેપો પણ કર્યા છે. જેમાં સરકારની નોકરીની ભરતીની વાત કરીને તેમણે કહ્યું છે કે, “આ બે લોકોની સામે ખોટી ભરતી કરાવવાનો આક્ષેપ મૂકીને જણાવ્યું છે કે, તેમના દ્વારા સરકારી પરીક્ષામાં સીધું સેટિંગ કરાવી આપવું, નિમણૂક પત્રો આપવા, ગુજરાતની સરકારી પરીક્ષામાં ડમી ઉમેદવારો બેસાડવાનું પણ ષડ્યંત્ર કરી રહ્યાનો આક્ષેપ કર્યા છે. યુવરાજે વધુમાં કહ્યું કે “માત્ર ગુજરાતની જ ભરતીઓમાં નહીં પરંતુ કેન્દ્ર સરકારની રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડની ભરતી હોય તેમાં પણ કૌભાંડ કરીને ઉમેદવારોને લગાડવાનું કાર્ય એ કરી રહ્યા છે. એવો એમનો દાવો છે. એના જે દાવા છે તેના આધાર પુરાવા પણ અમારી પાસે છે.”
તેમણે વધુમાં કહ્યું કે, “કેતન શાહ અને રણજીત ઓડના દાવા પ્રમાણે 2021માં લેવાયેલી PSI, ASIની ભરતીમાં.. ASI તરીકે હાલમાં જે ટ્રેનિંગ કરી રહ્યા છે તેમાં એક મહિલા ઉમેદવારને લગાડેલા છે એવો એમનો દાવો છે, વોટ્સએપ ચેટમાં તેમણે કબૂલ્યું પણ છે કે આ વ્યક્તિને અમે લગાડ્યા છે. તેમનો દાવો છે કે ગુજરાત પોલીસમાં જે ભરતીઓ થઈ તેમાં પણ તેમણે સેટિંગ પાડ્યા છે.” આ દાવાઓની વાત કરીને યુવરાજે કહ્યું કે આ દાવો કેટલો સાચો કે ખોટો તેમાં અમે પડતા નથી, કેમકે આ તપાસનો વિષય છે, જે અંગે સરકારને પણ રજૂઆત કરી દીધી હોવાનું યુવા નેતા યુવરાજસિંહ જણાવે છે.
આમ હવે યુવરાજસિંહ જાડેજા દ્વારા સરકારી ભરતીમાં થતી ગેરરીતિના વધુ કેટલાક પુરાવા રજૂ કરીને આ મામલે તપાસ થવી જોઈએ તેમ જણાવ્યું છે. તેમણે પ્રેસ કોન્ફરન્સ કરતા પહેલા આ મામલે પોલીસને ફરિયાદ અરજી આપી ચૂક્યા હોવાનું પણ તેમણે જણાવ્યું છે.