Gujarat News: ચર્ચા ઉઠી હતી કે આકરી ગરમીના કારણે સ્કૂલોમાં ઉનાળું વેકેશનને લંબાવવામાં આવશે, પરંતું ગુજરાત શિક્ષણ બોર્ડ, પ્રાથમિક શિક્ષણ નિયામક અને અમદાવાદના DEO કચેરીના પદાધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે વેકેશનની તારીખ લંબાવવામાં નહીં આવે
છેલ્લા કેટલાક સમયથી શાળાઓ ક્યારે ખૂલશે તેની તારીખને લઈને અસમંજસ ચાલી રહી હતી. વિવિધ તારીખો વિશે અટકળો ચાલી રહી હતી. તો સાથે જ શાળાઓ મોડી ખૂલશે તેવી અફવા પણ ફેલાઈ હતી. ત્યારે આખરે આ અંગે ગુજરાત બોર્ડ દ્વારા સ્પષ્ટતા કરી દેવામા આવી છે. સ્કૂલોમાં નવુ શૈક્ષણિક સત્ર 13 જૂનથી જ શરૂ થઈ જશે. વેકેશન લંબાવવાની વાત ખોટી છે.
વેકેશનની તારીખ લંબાવવામાં નહિ આવે
ગુજરાતમા આ વર્ષે ગરમીએ તમામ રેકોર્ડ તૂટ્યા છે. આ વચ્ચે જ રાજ્યમાં ગરમીના પ્રકોપાના કારણે રાજ્ય શાળા સંચાલક મંડળ અને વાલી અધિકાર ગ્રુપ દ્વારા માંગણી કરવામાં આવી હતી કે સ્કૂલોને 13 જૂનના બદલે 20 જૂનથી શરૂ કરવામાં આવે. જોકે આ અંગે હવે ગુજરાત શિક્ષણ બોર્ડ, પ્રાથમિક શિક્ષણ નિયામક અને અમદાવાદના DEO કચેરીના પદાધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે વેકેશનની તારીખ લંબાવવામાં નહીં આવે.
વેકેશન લંબાવવા કરાઈ હતી રજૂઆત
ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળે મુખ્યમંત્રીને આકરી ગરમીને કારણે વેકેશન લંબાવવા પત્ર લખ્યો હતો. ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળે મુખ્યમંત્રીને પત્રમાં હીટવેવના કારણે શાળાના વેકેશનનો સમય એક અઠવાડિયા લંબાવવા રજૂઆત કરી હતી. સાથે જ લોકસભાની ચૂંટણી કારણે નવી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અરજીઓનો નિર્ણય પડતર હોવાની રજૂઆત કરી હતી. શાળાઓ 13 જૂનના બદલે 20 જૂને શરુ કરવા ભલામણ કરી હતી. સાથે જ દિવાળી વેકેશન એક અઠવાડિયું ઓછું આપી દિવસો સરભર કરવા માંગ કરી હતી. સાથે જ કહ્યું હતુ કે, તા. 13.06.2024 ને ગુરૂવારનાં બદલે તા. 20.06.2024 સુધી રાજ્યની તમામ જીલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાઓ, કોર્પોરેશન સંચાલિત પ્રાથમિક શાળાઓ અને સ્વનિર્ભરની તમામ શાળાઓનું ઉનાળું વેકેશન લંબાવવાની તાતી જરૂરીયાત છે.
આમ, ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળ દ્વારા કરવામાં આવેલી વેકેશન લંબાવવાની માંગ સ્વીકારાઈ નથી. તેથી હવે સ્કૂલોમાં 13 જૂનથી જ નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ જશે.