Weather Update: હવામાન વિભાગે આકરી ગરમી વચ્ચે આગામી અઠવાડિયાની શરુઆતમાં રાજ્યના ચાર જિલ્લાઓમાં વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે, પરંતુ આજે ગુજરાતના ઉત્તર ભાગમાં અચાનક ભરબપોરે વરસાદ વરસી પડવાની ઘટના છે. બનાસકાંઠાના પ્રખ્યાત તીર્થ સ્થળ અંબાજીમાં વરસાદ થયો છે. સવારથી આકરી ગરમી અનુભવાઈ રહી હતી અને અચાનક બપોરના સમયે કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ વરસાદ તૂટી પડ્યો હતો. ઉકળાટ અને આકરી ગરમી વચ્ચે અનાચક વરસાદ થતાં વિસ્તારમાં ઠંડક પ્રસરી હતી.
આકરી ગરમી વચ્ચે લોકોની વહેલી સવારે મતદાન મથકો પર ભારે ભીડ હતી આમ છતાં બપોરના સમયે પણ એકલ-દોકલ લોકો મતદાન મથક પર પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચી રહ્યા હતા. આવામાં બપોરના એક વાગ્યાની આસપાસ અંબાજી વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. અચાનક હવામાનમાં પલટો અને વરસાદ પડતા લોકોમાં કૂતુહલ સર્જાયું હતું.
મહત્વનું છે કે, મતદાનના દિવસે એટલે કે આજે રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધુ રહેવાની સંભાવનાઓ અગાઉ વ્યક્ત કરવામાં આવી હતી. જેમાં આજે તથા આવતીકાલે દીવ અને ભાવનગરમાં હીટવેવની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ સિવાય દરિયાકાઠાના વિસ્તારોમાં ઉકળાટ અને બફારો રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતના હવામાનની આગાહી કરી છે તેમાં આગામી દિવસોમાં રાજ્યમાં હળવા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. જેમાં દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં સૌથી ઊંચું મહત્તમ તાપમાન સુરેન્દ્રનગરમાં 41.3 ડિગ્રી નોંધાયું છે. આમ હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ ગરમીનું જોર યથાવત રહેવાની સંભાવનાઓ સાથે 12 અને 13 તારીખે ગુજરાતના દક્ષિણ ભાગમાં હળવા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે.