હવામાન વિભાગની આગાહી મુજબ 13-01-2024 એટલે કે આજે શનિવારે રાજ્યમાં વાતાવરણમાં ઠંડક રહે તેવી આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આવતા ત્રણ દિવસ વાતાવરણમાં ઠંડીના પ્રમાણમાં વધારો થાય તેવી સંભાવના વ્યક્ત કરી છે. પતંગ ઉડાવવા માટે વાતાવરણ સારું રહેશે. તેમજ પૂર્વમાં 10 અને ઉત્તરમાં 10-12 કિમીની ઝડપે પવન રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જયારે બીજી તરફ વલસાડ, સુરત અને દરિયા કિનારા પાસે ઠંડી વધુ હોઈ શકે છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ અમુક સ્થળો પર વરસાદ અથવા કરા પડવાની શક્યતા છે. આ ઉપરાંત 15મી જાન્યુઆરી સોમવારે પવનની ગતિ ખૂબ ઓછી રહે તેવી સંભાવના છે.
આજે શનિવારે હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ, મોરબી, પંચમહાલ, રાજકોટ,ખેડા, સહિતના જિલ્લાઓમાં 17 ડિગ્રી તાપમાન રહે તેવી આશા છે જયારે મહેસાણા, કચ્છ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં ન્યૂનતમ તાપમાન 15 ડિગ્રી રહે તેવી શક્યતા છે તો છોટાઉદેપુર, જુનાગઢ, અમરેલી, સહિતના જિલ્લાઓમાં 19 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે અને નર્મદા, પોરબંદર, ભરુચ, ભાવનગર સહિતના જિલ્લાઓમાં 20 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.