ગાંધીનગર, બુધવાર:
- બંને ગામોના ૭૫૦થી વધુ લોકોએ આરોગ્ય તપાસ કરાવી, ૧૦૦ થી વધુ લોકોને આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરાયું
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સેવેલા વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા અને દેશના જન જન સુધી કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચે તેવા ધ્યેય સાથે યોજાયેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા દહેગામના કૃષ્ણનગર કોઠી અને બારડોલી કોઠી ગામ ખાતે આવી પહોંચી હતી. વિકસિત ભારત સંકલ્પ યાત્રાની સાથે તાલુકા પંચાયતની વિવિધ શાખાઓ દ્વારા સરકારની ૧૭ જેટલી યોજનાઓ લોકો સુધી પહોંચાડવા માટે સ્ટોલ ઊભા કર્યા હતા. જ્યાં બંને ગામના ૧૦૦૦થી વધુ લોકોએ વિવિધ યોજનાઓની માહિતી અને લાભ લીધો હતો. આ પ્રસંગે આરોગ્ય વિભાગ તરફથી યોજાયેલ હેલ્થ ચેકઅપ કેમ્પમાં ૭૫૦થી વધુ લોકોએ ટીબી, સિકલ સેલ સહિતની વિવિધ આરોગ્યલક્ષી તપાસ કરાવી હતી.
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત બને ગામના ૧૦૦થી વધુ લોકોને ઉપસ્થિત મહાનુભાવોને હસ્તે આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરાયું હતું. ઉપરાંત ૨૦૦ જેટલા લોકોએ નવા આયુષ્યમાન કાર્ડ બનાવડાવ્યા હતા. કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતી વિશે સમજ આપવામાં આવી હતી. જેમાં ખેડૂતો સાથે ઉપસ્થિત કૃષિ નિષ્ણાતોએ સીધો વાર્તાલાપ કર્યો હતો. ખેતીમાં ટેકનોલોજીનો વપરાશ વધે તે માટે ડ્રોન ડેમોન્સ્ટ્રેશન યોજાયું હતું જેનો ઉપસ્થિત ખેડૂતોએ નિહાળીને આવું કરવાની પ્રેરણા લીધી હતી.
કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય બાદ શાળાઓની બાળાઓ દ્વારા ‘ધરતી કહે પુકાર કે’ નાટક દ્વારા પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા તેમજ પ્રદૂષણ ઘટાડવા માટેનો સંદેશ આપ્યો હતો. બાદમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગતના ઓન ધ સ્પોટ ક્વિઝ સ્પર્ધાના વિજેતાઓને પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતું. આ ઉપરાંત મહાનુભાવોના હસ્તે મહિલાઓને, સ્થાનિક રમતગમતના ખેલાડીઓ અને શાળાના બાળકોનું પ્રમાણપત્ર આપીને સમ્માન કરાયું હતું.
જિલ્લા માહિતી કચેરી, ગાંધીનગર
CMO Gujarat Collector Office Gandhinagar Gujarat Information