- યોજનાકીય લાભો સાચા લાભાર્થીઓ સુધી પહોંચાડવાનો અનુરોધ કરતા પ્રભારી સચિવશ્રી
- “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”ના આયોજનની સમીક્ષા કરતા કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયના નિયામકશ્રી સંખેશ મહેતા
આણંદ, સોમવાર :: રાજ્યના દરેક નાગરિકો કેન્દ્ર સરકારની યોજનાઓથી માહિતગાર બને તેમજ યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધી પહોંચે તેવા આશયથી રાજ્યની સાથે આણંદ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” યોજાનાર છે, આ કાર્યક્રમના આયોજનની સમીક્ષા અર્થે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયના નિયામકશ્રી અને વિકસિત ભારત સંકલ્પ યાત્રા માટે આણંદ જિલ્લાના પ્રભારી સચિવશ્રી સંખેશ મહેતાના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી.
પ્રભારી સચિવશ્રીએ દરેક કચેરી દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રેઝન્ટેશનને નિહાળી જિલ્લાના અધિકારીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ આયોજન અંગે ખુશી વ્યક્ત કરીને જણાવ્યું હતું કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી સાચા લાભાર્થીઓને યોજનાકીય લાભો પહોંચાડવામાં આવે તે માટે અનુરોધ કરી ઉમેર્યું હતું કે, જિલ્લાના જે ગામ ખાતે રથ પહોંચે ત્યારે તે ગામમાં રહેતા ગ્રામજનો સરકારની કોઈપણ યોજનાથી વંચિત રહી ન જાય અને ખાસ કરીને ભારત સરકારની યોજનાઓના લાભ અને જાણકારી ગ્રામજનોને મળી રહે તે માટેનું વિસ્તૃત આયોજન કરવા પણ તેમણે જણાવ્યું હતું.
આ બેઠકના પ્રારંભમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિહિકા પરમારે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંગેની વિસ્તૃત વિગતો આપી પ્રભારી સચિવશ્રીને વાકેફ કર્યા હતા.
જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિલિંદ બાપનાએ જિલ્લાના અધિકારીઓને સોંપવામાં આવેલ કામગીરી અને તૈયારીઓથી પ્રભારી સચિવશ્રીને વાકેફ કર્યા હતા. આ પ્રસંગે જિલ્લાના અધિકારીઓ દ્વારા તેમની કચેરી દ્વારા તૈયાર કરવામાં આવેલ કામગીરી અંગે પ્રભારી સચિવશ્રીને જાનકારી આપવામાં આવી હતી.
આ બેઠકમાં નિવાસી અધિક કલેકટરશ્રી આર. એસ. દેસાઈ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે. વી. દેસાઈ, નાયબ વન સંરક્ષકશ્રી એન.ડી.ઇટાલિયન, જિલ્લા આયોજન અધિકારીશ્રી જે.સી.રાવલ, પ્રાંત અધિકારીશ્રીઓ, નાયબ કલેક્ટરશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.