વાઈબ્રન્ટ ગુજરાત સમિટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી Narendr Modi 9 જાન્યુઆરીએ વાઇબ્રન્ટ ગુજરાત સમિટની 10મી આવૃત્તિનું ઉદ્ઘાટન કરતાં પહેલાં વૈશ્વિક વેપાર શો માં હાજરી આપવાના છે. બાદમાં બીજા દિવસે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વભરમાંથી આવનારા ઉદ્યોગપતિઓ અને રોકાણકારોને સંબોધિત પણ કરનાર છે. કોરોનાના કારણે ચાર વર્ષ બાદ વાઈબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. છેલ્લી સમિટ 2019માં યોજાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્ય પ્રધાન તરીકે રોકાણકારોને ગુજરાતમાં લાવવાની કલ્પના કરીને આ સમિટની શરૂઆત કરી હતી. આ વખતની સમિટ માટે વિશ્વના 28 દેશો ભાગીદાર બન્યા છે અને 14 સંસ્થાઓ સહયોગી બની છે.
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી આવૃત્તિ ઘણી રીતે મહત્વપૂર્ણ છે. સમિટના 20 વર્ષ પૂરા થવા પર આયોજિત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના વિકાસમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટના યોગદાનને રેખાંકિત પણ કર્યું હતું. સમિટ ઓફ સક્સેસ પ્રોગ્રામમાં પીએમ મોદીએ સમિટમાં અવરોધો ઉભી કરવા માટે કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકારની પણ ટીકા કરી હતી.
આ સમિટમાં રોકાણનો નવો રેકોર્ડ સર્જાય તેવી અપેક્ષા છે. વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં અનેક મોટી જાહેરાતો થવાની શક્યતા છે. મૂડીરોકાણને આકર્ષિત કરવાના સાહસિક નિર્ણયમાં ગુજરાત સરકારે ગિફ્ટ સિટીમાં દારૂબંધી હટાવી લીધી છે. તેની અસર આ સમિટમાં પણ જોવા મળી શકે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 જાન્યુઆરીની સાંજે ગ્લોબલ ટ્રેડ શોમાં ભાગ લેશે. આ પછી તેઓ ગાંધીનગરના રાજભવનમાં રાત્રે રોકાશે. બીજા દિવસે તેઓ મહાત્મા મંદિર ખાતે વાઈબ્રન્ટ ગુજરાત સમિટને સંબોધશે. 9થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાનારી સમિટની 10મી આવૃત્તિ માટે અમદાવાદ અને ગાંધીનગરની તમામ હોટેલો ભરાઈ ગઈ છે. સમિટમાં તમામની નજર ગુજરાતના ઓટો સેક્ટર પર છે. આ સમિટમાં ટેસ્લાના ગુજરાતમાં આગમનની જાહેરાત થઈ શકે છે. આ સિવાય મારુતિ અને અન્ય EV વાહન મેન્યુફેક્ચરિંગ કંપની તરફથી મોટી જાહેરાતની અપેક્ષા છે. આ સિવાય સેમિકન્ડક્ટર કંપનીઓ પણ મોટી જાહેરાતો કરી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.