વડોદરા શહેરના ભાયલી ખાતે આવેલી સ્ટર્લિંગ કેન્સર હોસ્પિટલમાં પીએમજેએ વાય યોજના અંતર્ગત 3 દર્દીની સારવાર ન કરી અન્ય ખાનગી હોસ્પિટલમાં મોકલવા અને તેમની પાસેથી સારવારના પૈસા વસૂલવા બદલ સરકારના આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી દંડ ફટકાર્યો છે. સ્ટર્લિંગ કેન્સર હોસ્પિટલને મા-કાર્ડ યોજનામાંથી 3 મહિના માટે સસ્પેન્ડ કરાઈ છે.
પ્રાથમિક વિગતો મુજબ મા કાર્ડ યોજના હેઠળ દર્દીને સુવિધા ન આપી રૂપિયા લેતાં કાર્યવાહી કરાઇ હોવાનું સામે આવ્યું છે. નોંધનિય છે કે,3 દર્દીઓએ હોસ્પિટલ સામે આરોગ્ય વિભાગમાં ફરિયાદ કર્યા બાદ આ નિર્ણય લેવાયો છે. વડોદરાના ભાયલીમાં આવેલી સ્ટર્લિંગ કેન્સર હોસ્પિટલમાં મા કાર્ડ યોજના હેઠળ દર્દીને સુવિધા ન આપી રૂપિયા લઈ લીધા હોવાનું સામે આવતા હડકંપ મચી ગયો છે. આ તરફ આ સમગ્ર મામલે 3 દર્દીઓએ આરોગ્ય વિભાગને ફરિયાદ કરતાં તંત્ર હરકતમાં આવ્યું હતું. વિગતો મુજબ આરોગ્ય વિભાગે હોસ્પિટલને 28.40 લાખનો દંડ ફટકાર્યો છે. નવા દર્દીની સારવાર નહીં કરી શકાય અને જૂના દર્દીઓની સારવાર કરી શકાશે.