Vadodara News : વડોદરા એરપોર્ટને બૉમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો મેઇલ એરપોર્ટ ઓથોરીટીને મળ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. ઓથોરીટીને મેઇલ મળ્યા બાદ તંત્ર દોડતું થઈ ગયું છે. ધમકીના પગલે સ્થાનિક પોલીસ સહિત અન્ય સુરક્ષાદળોના કાફલા ખડકી દેવામાં આવ્યા છે. CIFS અને પોલીસની ટીમો હાલ તપાસ કરી રહી છે. એરપોર્ટની અંદર અને બહાર તમામ સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. દરમિયાન એક કારમાં શંકાસ્પદ ડિવાઇસ મળી આવ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે.
એરપોર્ટમાં પ્રવેશતા દરેક વાહનોનું ચેકિંગ
મંગળવારે (18 જૂન) બપોરે વડોદરા એરપોર્ટ ઓથોરીટીને એક ધમકીભર્યો મેઇલ મળી આવ્યો હતો. જેમાં વડોદરા એરપોર્ટને બૉમ્બથી ઉડાવી દેવાની વાત કહેવામાં આવી હતી. ત્યારબાદ એરપોર્ટ ઓથોરીટીએ સ્થાનિક પોલીસને ઘટના વિશે જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક ધોરણે એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું હતું અને ભારે માત્રામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. એરપોર્ટમાં પ્રવેશતા દરેક વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
એક કારમાં ઈલેક્ટ્રિક ડિવાઈસ મળી આવ્યું
હરણી પોલીસ સહિતની તપાસ એજન્સીઓ સક્રિય બની છે. એરપોર્ટ આવતા દરેક પેસેન્જરનું ચેકિંગ કરીને બાદમાં પ્રવેશ આપવામાં આવે છે. એરપોર્ટ પર સઘન ચેકિંગ હાથ ધરાયું છે. સીઆઇએસએફના જવાનો દ્વારા એરપોર્ટની અંદર પણ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.એરપોર્ટ બહાર અંદર પ્રવેશતી કારોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન એક કારમાં ઈલેક્ટ્રિક ડિવાઈસ મળી આવતા કારને અંદર પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. કારચાલકે એરપોર્ટના ગેટથી જ પાછો મોકલી દેવાયો હતો.
આ પહેલાં પણ અનેક સ્થળોને મળી ચૂકી છે ધમકી
આ કોઈ પહેલીવાર નથી કે, એરપોર્ટને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોય. આ પહેલાં અનેક સ્થળોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. તાજેતરમાં જ અમદાવાદની સ્કૂલોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. તે પહેલાં સુરતના એક મોલને પણ બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ચૂંટણી પહેલાંથી બૉમ્બની ધમકીઓ મળવાનો સિલસિલો ચાલુ છે. થોડા દિવસો પહેલાં જ દિલ્હીથી મુંબઈ જતી ફ્લાઇટમાં બૉમ્બ હોવાની ધમકી ટિશ્યૂ પેપર દ્વારા આપવામાં આવી હતી. જેના પગલે ફ્લાઇટનું અમદાવાદ એરપોર્ટ ખાતે ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.
દિલ્હીની શાળાઓને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદથી સતત દેશભરમાં બૉમ્બની ધમકીઓ મળી રહી છે. તપાસ કર્યા બાદ ત્યાં કોઈ શંકાસ્પદ પદાર્થ મળતો નથી. દિલ્હી બાદ અમદાવાદની શાળાઓને ધમકી મળી હતી. ત્યારબાદ જયપુરની પણ કેટલીક શાળાઓને ધમકી આપવામાં આવી હતી. તે પહેલાં RBIને પણ બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ઉપરાંત અયોધ્યા રામ મંદિરને પણ અનેકવાર બૉમ્બની ધમકીઓ મળી હતી