Surat News: સુરતના અમરોલી વિસ્તારમાં બે સગાભાઈઓએ આપઘાત કરી લીધો હોવાની ચકચારી ઘટના સામે આવી છે. બંને ભાઈઓ રત્નકલાકાર તરીકે કામ કરતા હતા. તેઓએ ઘરમાં આપઘાતનું પગલું ભરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. આ મામલે પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે. બન્ને ભાઇઓના આપઘાત અંગે એક સંબંધીએ જણાવ્યું છેકે, મન નથી માનતું કે આ બન્ને આવું પગલું ભરી શકે.
ઘરમાં અનાજમાં નાખવાની દવા પી લીધી
મળતી માહિતી મુજબ સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા બે સગા ભાઈઓએ એક સાથે આપઘાત કરી લીધો છે. હિરેન ચંદુભાઈ સુતરિયા અને પરીક્ષિત ચંદુભાઈ સુતરિયા નામના બે સગા ભાઈઓએ ઘરમાં જ અનાજમાં નાખવાની દવા પી આપઘાત કર્યો હતો. બન્નેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા. જ્યાં સારવાર દરમિયાન બન્નેનું મોત નીપજ્યું હતું. બંને ભાઈઓના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.
એકના 8 મહિના પહેલા જ થયા હતા લગ્ન
મૃતક બંને ભાઈઓ રત્નકલાકાર તરીકે કામ કરતા હતા, પરીક્ષિતના પરિવારમાં પત્ની, બે દીકરા છે. મોટો પાંચ વર્ષ અને નાનો માત્ર પાંચ મહિનાનો છે. જ્યારે હિરેનના લગ્ન 8 મહિના પહેલા જ કરવામાં આવ્યા હતા. તેને હજુ સંતાન નથી. હાલ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
હીરાના કારખાનામાં કામ કરતા હતા
સબંધી મનીષભાઈએ જણાવ્યું હતું કે બંને ભાઈઓએ તેમના ઘરે કોઈ અગમ્યકારણોસર બેથી અઢી વાગ્યાના અરસામાં દવા પી લીધી હતી. મન નથી માનતું કે આ બંને ભાઈઓ આવું પગલું ભરી શકે, અમને પણ કોઈ કારણ વિષે માહિતી નથી, તેઓને હોમલોન હતી એ અંગે અમને જાણ હતી બંને ભાઈઓ હીરાના કારખાનામાં કામ કરતા હતા.