નાયક પરિવાર બાલીસણા દ્વારા આજ રોજ સામાજિક બેસણા નિમિત્તે શાળા પ્રાંગણમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણના જતન અને સંવર્ધન માટેનો સંદેશ આપવામાં આવ્યો હતો. સામાજિક પ્રસંગોમાં સામાજિક દાયિત્વની ઉમદા ભાવના સાથે આયોજિત વૃક્ષા રોપણ કાર્યક્રમને સૌ એ આવકારી નાયક પરિવારની પર્યાવરણ પ્રત્યેની સજાગતાને બિરદાવી હતી.
બોરસલ્લીનું વૃક્ષ વાવી માતૃશ્રી ને અનોખી શ્રદ્ધાંજલી પાઠવી
જિલ્લા માહિતી કચેરી પાટણ ખાતે માહિતી મદદનીશ તરીકે ફરજ બજાવતા જીજ્ઞેશ નાયક ના માતૃશ્રી સુરેખાબેન નારાયણભાઈનું ગત તારીખ ૯ ઓક્ટોબર ના રોજ દુઃખદ નિધન થયું હતું. આજે સદગત સુરેખાબેન નારાયણભાઈ નાયકનું બેસણું અને બારમું પ્રસંગ કન્યા વિદ્યાલય ખાતે રાખવામાં આવેલ. જેમાં પ્રકૃતિ પ્રેમી અને પર્યાવરણની સતત ચિંતા કરતા ગ્રીન કમાન્ડો નિલેશભાઈ રાજગોર દ્વારા વૃક્ષની ભેટ આપવામાં આવી હતી. જે વૃક્ષનું નાયક પરિવાર દ્વારા કન્યા શાળાના પ્રાંગણમાં રોપણ કરી તેના જતન અને સંવર્ધન માટેનો સંકલ્પ કર્યો હતો. પોતાના દિવંગત માતૃશ્રી સુરેખાબેનની યાદમાં બોરસલ્લીનું વૃક્ષ વાવી નાયક પરિવારે અનોખી શ્રદ્ધાંજલી પાઠવી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા શરૂ કરાયેલ ‘એક પેડ મા કે નામ ‘ અભિયાન જન જાગૃતિ અભિયાન બની રહ્યું છે. ત્યારે નાયક પરિવારે સામાજિક પ્રસંગમાં પર્યાવરણ જાગૃતિ અને વૃક્ષ ઉછેરના સંદેશ દ્વારા એક આગવી પહેલ કરી હતી. આ પ્રસંગે યોગેશભાઈ નાયક, હિમાંશુભાઈ નાયક, તુલસીભાઈ નાયક, પ્રદીપભાઈ નાયક, હર્ષદભાઈ નાયક સહિત નાયક પરિવારના ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા