અન્ય તાલુકાઓના ખેડૂતો પણ તમાકુ વેચવા શિહોરી આવે છે…
Gujarat News: કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી માર્કેટયાર્ડમાં તમાકુની હરરાજીમાં પ્રથમ દિવસે જ વિપુલ આવક વચ્ચે પોષણક્ષમ ભાવ મળતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. થોડા સમય પહેલાં જ કમોસમી વરસાદથી ખેડૂતોમાં ફફડાટ ફેલાયો હતો. માવઠાથી તમાકું, જીરું, એરંડા અને રાયડા જેવા અનેક પાકોમાં નુક્શાન થયું હતું જોકે હવે તમાકુના ઘર આંગણે યોગ્ય ભાવ મળતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો છે.
પ્રથમ દિવસે જ તમાકુંનો ભાવ મણ દીઠ ૨૯૩૦ રૂપિયા શિહોરી માર્કેટયાર્ડમાં સોમવારથી તમાકુની હરાજી શરૂ કરાયા બાદ પ્રથમ દિવસે જ તમાકુંનો ભાવ મણ દીઠ રૂપિયા ૨૯૩૦ બોલાતાં ખેડૂતો ખુશીથી ઝુમી ઉઠ્યા હતા. શિહોરી માર્કેટ યાર્ડમાં ખરો તોલ અને રોકડાં નાણાં આપવામાં આવે છે અને રજ પણ કપાત કરાતી નથી જેથી કાંકરેજ ઉપરાંત દીયોદર, થરા, લાખણી, ડીસા અને સરસ્વતી તાલુકાના ખેડૂતો પણ મોટા પ્રમાણમાં તમાકુનો માલ શિહોરી માર્કેટ યાર્ડમાં ઉતારે છે અને ઉંચા ભાવ મામલે ખુશી વ્યકત કરી રહ્યા છે.