- ગુજરાતમાં એક્ટિવ કેસ ઓછા હોવા છતા JN.1 વેરિયન્ટના કેસ વધુ
ગુજરાતમાં કોરોનાના નવા વેરિઅન્ટે ચિંતા વધારી છે. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે દ્વારા નાગરિકોને નવા સિકવન્સ અંગે ચિંતા કે ડર ન રાખવા જણાવ્યું છે. તેમજ સતર્કતા રાખવાનો અનુરોધ કરાયો છે. જોકે તેમણે એમ પણ કહ્યું હતું કે અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં એક્ટિવ કેસ ઓછા હોવા છતા JN.1 વેરિયન્ટના કેસ વધુ છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાના JN.1 વેરિયન્ટ થી લોકોએ ગભરાવવાની કે ચિંતા કરવાની જરૂર નથી પરંતુ સતર્કતા રાખવી જરૂરી છે. રાજ્યમાં કોરોનાની. 28 ડિસેમ્બરની પરિસ્થિતી સંદર્ભે જણાવ્યું કે, રાજ્યમાં કોરોનાથી સંક્રમિત હાલ 66 એક્ટિવ કેસ છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 47, રાજકોટ કોર્પોરેશનના 10, ગાંધીનગર કોર્પોરેશનમાં 4 તેમજ દાહોદ, ગીરસોમનાથ, કચ્છ, મોરબી અને સાબરકાંઠા માં 1-1 કેસ એક્ટિવ છે. હાલ રાજ્યમાં ફક્ત બે કોરોના પોઝીટીવ દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
રાજ્યમાં છેલ્લા સપ્તાહમાં નોંધાયેલ કોરોના કેસના જીનોમ સિકવન્સીગના રીપોર્ટ તા. 27 ડિસેમ્બરના રોજ મળ્યા હતા. જેમાં 36 કેસ JN.1 વેરિયન્ટના નોંધાયા છે. તેમજ જે પૈકી 22 દર્દીઓ સાજા થઇ ગયા છે અને હાલ 14 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે. આમ JN.1 વેરિયન્ટના પોઝીટીવ દર્દીમાંથી એક પણ દર્દીને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડી નથી. વધુમાં તેઓએ જણાવ્યું કે,રાજ્યમાં 1 ડિસેમ્બર થી 28 ડિસેમ્બર દરમિયાન કુલ 8,426 કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 99 કોરોના પોઝીટીવ નોંધાયા છે. આમ કોરોનાનો પ્રવર્તમાન સરેરાશ પોઝીટીવીટી રેટ 0.86 ટકા છે. જેના પરથી તારણ કાઢી શકાય કે હાલ કોરોનાની ધાતકતા ઘણી ઓછી છે પરંતુ લોકોએ અને ખાસ કરીને કોમોર્બિડિટી ઘરાવતા દર્દીઓએ સતર્કતા રાખવી જરૂરી છે તેમ તેમણે ઉમેર્યુ હતુ. રાજ્યમાં પ્રત્યેક કોરોના પોઝીટીવ દર્દીનું જીનોમ સિકવન્સીંગ કરવામાં આવે છે તેના કારણે જ દેશના અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં એક્ટિવ કેસ ઓછા હોવા છતા JN.1 વેરિયન્ટના કેસ વધુ છે તેમ તેઓએ સ્પષ્ટ પણે જણાવ્યુ હતુ.