હવે થોડા મહિનાઓ પછી લોકસભાની ચૂંટણી થવાની છે તે પહેલાં ગુજરાતમાં ૨૬ સાંસદોમાંથી ૨૪ સાંસદો ટેન્શનમાં જોવા મળી રહ્યા છે. તેનું કારણ છે કે તાજેતરની ૫ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ૩ રાજ્યોમાં પ્રચંડ બહુમતી મેળવી અને તેમાં એક વાત ફરી સામે આવી છે કે ચૂંટણી માત્ર પીએમ મોદીના ચહેરા પર જ જીતી શકાય છે.
મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢમાં પીએમ મોદીની ગેરંટી કામ કરી ગઇ છે. હવે ગુજરાતના સાંસદોને એવો ડર પેસી ગયો છે કે અમિતભાઈ શાહ અને સી આર પાટીલ સિવાય બાકીના ૨૪ સાંસદોની ભાજપ ટિકીટ કાપીને નવા ચહેરાને સ્થાન આપી શકે છે.
ખાસ કરીને ૬૦ વર્ષથી ઉપરની ઉંમરના નેતાઓ પર લટકતી તલવાર છે. ગુજરાત વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણીમાં પણ ભાજપે અનેક સિનિયર નેતાઓને કહી દીધું હતું કે તમે જાતે જ જાહેર કરો કે અમે ચૂંટણી લડવાના નથી.