દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાયણની ઉજવણી પુરજોશમાં ચાલી રહી છે, આ બધાની વચ્ચે હવે ગુજરાતમાં સરકાર દ્વારા ચલાવવામાં આવતા પતંગ મહોત્સવને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ અને બનાસકાંઠા જિલ્લા વહીવટતંત્ર દ્વારા તા.૧૨ જાન્યુઆરી, ૨૦૨૪ ના રોજ બનાસકાંઠા જિલ્લાના સરહદી પ્રવાસન સ્થળ નડાબેટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવશે. જે અંતર્ગત જિલ્લા કલેકટરશ્રી વરૂણકુમાર બરનવાલની અધ્યક્ષસ્તામાં પાલનપુર કલેકટર કચેરી ખાતે મિટિંગ યોજાઇ હતી.
ગુજરાતમાં રાજ્યમાં દર વર્ષે સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે, દર વર્ષે રિવરફ્રન્ટ પર પતંગબાજો પોતાનું કૌશલ્ય બતાવતા હોય છે, આ વખતે તેઓ સરહદીય વિસ્તાર પર કલાબાજી કરતાં દેખાશે આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણીમાં દેશ અને વિદેશના ખ્યાતનામ પતંગબાજો નડાબેટ આવીને બનાસવાસીઓ સાથે આકર્ષક પતંગો ઉડાડી પોતાના કૌવતનું નિદર્શન કરશે.
જેનાંથી હર્ષોલ્લાસ અને આનંદભર્યા માહોલની શાનદાર જમાવટ થશે તથા આ પ્રસંગ વિશેષ આનંદદાયક અને યાદગાર બની રહેશે. આ મિટિંગમાં કલેકટરશ્રી વરૂણકુમાર બરનવાલ, નાયબ વન સંરક્ષકશ્રી અભયકુમાર સિંઘ, નિવાસી અધિક કલેકટરશ્રી સી.પી.પટેલ સહિત સર્વે અધિકારીઓ રૂબરૂ તથા વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા.