વડાપ્રધાન મોદીએ સહકારી ક્ષેત્રને સક્ષમ અને સ્વાવલંબી કરવા આપેલા સહકારથી સમૃદ્ધિના ઉદેશ્ય સાથે દિયોદરની બનાસ ડેરી ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પશુપાલકો અને ધરતી પુત્રના કલ્યાણ માટે હાથ ધરાયેલા પાયલોટ પ્રોજેક્ટ તથા સહકારી સંસ્થાઓના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું.
ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભીલડી ખાતે રૂ. 324.77 કરોડના ખર્ચે તૈયાર થનાર બનાસ બોવાઇન એન્ડ બ્રિડ રિસર્ચ સેન્ટરનું ખાતમુહૂર્ત કરાયું, બાદરપુરા ખાતે રૂ. 45 કરોડના ખર્ચે રોજની 50 મેટ્રિક ટન ક્ષમતા ધરાવતા નવનિર્મિત અલ્ટ્રા મોર્ડન આટા પ્લાન્ટ અને પાલનપુર ખાતે 10,000 કિલો પ્રતિ કલાકની ક્ષમતા ધરાવતા નવનિર્મિત બનાસ વ્હે પ્રોટીન અલ્ટ્રા ફિલ્ટરેશન પ્લાન્ટનું લોકાર્પણ કરાયું તેમજ પાલનપુર ખાતે નિર્માણ પામનાર બનાસ બેન્ક નવીન ઓડિટોરિયમ હોલ અને ખેડૂત ટ્રેનિંગ સેન્ટરનું ઇ- ખાતમુહૂર્ત તથા બનાસ ડેરીના સંજીવની ખાતર પ્રોડક્ટ, બનાસ ઓર્ગેનિક ખાતર પ્રયોગશાળા અને અમૂલ ઓર્ગેનિક પ્રોડક્ટ સહિત બનાસ બેંક માઈક્રો ATM અને કિશાન ક્રેડીટ કાર્ડ તથા ધી ગુજરાત સ્ટેટ કો.ઓપ.બેંક. લી. ના બનાસકાંઠા અને પંચ મહાલ જિલ્લાના પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ કરાવામાં આવ્યો હતો.
જયારે સી.એમ.ના હસ્તે મહિલા પશુપાલકોને રૂપે કિસાન ક્રેડિટ કાર્ડ્સનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદી અને દેશના પ્રથમ સહકારીતા મંત્રી અમિત શાહના માર્ગદર્શનના સહકારથી સમૃદ્ધિ સૂત્રને સાર્થક કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ગ્રામીણ અર્થતંત્રને મજબૂત અને વેગવંતુ બનાવવા માટે સહકાર ક્ષેત્ર પર વિશેષ ભાર મુક્યો છે. દેશમાં આઝાદી પછી પહેલીવાર સહકાર મંત્રાલયની રચના કરી તેનું સુકાન ગુજરાતના પનોતા પુત્ર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહને સોંપ્યું છે.
સહકાર રાજ્યમંત્રીશ્રી જગદીશભાઇ વિશ્વકર્માએ જણાવ્યું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઇ શાહના માર્ગદર્શનમાં દેશભરમાં સહકારી ચળવળ મજબૂત થાય અને સહકાર ક્ષેત્ર આત્મનિર્ભર બને એ માટે કામ થઇ રહયું છે. આજે ‘સહકાર થી સમૃદ્ધિ’ નો સંકલ્પ સાકાર થઇ રહ્યો છે. સમગ્ર વિશ્વમાં બનાસ ડેરીની પશુપાલક બહેનો દૂધ પુરું પાડી રહી છે. તેઓએ પશુપાલકોના બાળકોના તબીબી શિક્ષણ માટે શરૂ થયેલ બનાસ મેડિકલ કોલેજની પણ પ્રશંસા કરી હતી. તેઓએ કહ્યું કે સહકારી ક્ષેત્રના વિકાસથી આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન સાકાર થશે.
ગુજરાત સ્ટેટ કો ઓપરેટિવ બેંકના ચેરમેનશ્રી અજયભાઈ પટેલે જણાવ્યું કે, તમામ સહકારી સંસ્થાઓ એકબીજા સાથે રહી બેન્કિંગ વ્યવહાર કરે અને પરસ્પર સમન્વય વધે એવી દીર્ઘદ્રષ્ટિથી “સહકારીતામાં સહકાર”ના પાયલોટ પ્રોજેકટની શરૂઆત બનાસકાંઠા અને પંચમહાલથી કરવામાં આવી છે.
આ કાર્યક્રમમાં વિધાનસભાના ઉપાધ્યક્ષશ્રી અને પંચમહાલ ડેરીના ચેરમેનશ્રી જેઠાભાઈ ભરવાડ, સાંસદશ્રી પરબતભાઇ પટેલ, શ્રી બાબુભાઈ દેસાઈ, શ્રી ભરતસિંહ ડાભી, ધારાસભ્યશ્રી કેશાજી ચૌહાણ, શ્રી લવિંગજી ઠાકોર, શ્રી પ્રવિણભાઈ માળી, શ્રી અનિકેતભાઈ ઠાકર, શ્રી માવજીભાઈ દેસાઈ, પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી હરિભાઈ ચૌધરી, પૂર્વ સાંસદશ્રી દિનેશભાઈ અનાવાડિયા, આર.બી.આઇ.ના ઉપ ગવર્નરશ્રી એમ.રાજેશ્વર રાવ, ભારત સરકારના સહકાર સચિવશ્રી જ્ઞાનેશ્વરકુમાર, નાબાર્ડ ચેરમેનશ્રી શાજી કે.વી., બનાસ બેંકના ચેરમેનશ્રી સવસીભાઈ ચૌધરી, વિવિધ ડેરીના ચેરમેનશ્રીઓ, પ્રદેશ મહામંત્રીશ્રી રજનીભાઈ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી જયંતિભાઈ કવાડિયા, સંગઠનના જિલ્લા પ્રમુખશ્રી કિર્તિસિંહ વાઘેલા, કલેકટરશ્રી વરૂણકુમાર બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે, પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા તથા મોટી સંખ્યામાં પશુપાલક ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા.