મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તા. ૧૦મી નવેમ્બરના રોજ અમદાવાદ ખાતેથી સમગ્ર રાજ્યમાં શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત નવા ૧૫૫ ભોજન વિતરણ કેન્દ્રોનો શુભારંભ કરાવશે. વિવિધ કડીયાનાકા ખાતે શરૂ થનારા આ ભોજન વિતરણ કેન્દ્રો ખાતેથી બાંધકામ શ્રમિકો અને તેમના પરિવારોને વ્યક્તિ દીઠ માત્ર પાંચ રૂપિયામાં પૌષ્ટિક ભોજન પૂરું પાડવામાં આવશે. આ સ્થાયી કેન્દ્રો ઉપરાંત જે બાંધકામ સાઈટ પર ૫૦થી વધુ શ્રમિકો આ યોજનાનો લાભ મેળવવા માગતા હોય તેમને ડોરસ્ટેપ ડિલિવરીની પણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે
૧૦મી નવેમ્બરે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ અમદાવાદમાં ૪૯, સુરતમાં ૨૨, ગાંધીનગરમાં ૮, વડોદરામાં ૯, ભાવનગરમાં ૨, જામનગરમાં ૧૦, ભરૂચમાં ૩, મહેસાણા અને રાજકોટમાં ૫-૫, ખેડા, આણંદ, વલસાડ અને સાબરકાંઠામાં ૪-૪, પાટણ અને બનાસકાંઠામાં ૭-૭, નવસારી અને મોરબીમાં ૬-૬ કડીયાનાકા મળી કુલ ૧૭ જિલ્લામાં નવા ૧૫૫ ભોજન વિતરણ કેન્દ્રોનો શુભારંભ થશે, જેનો દરરોજ ૭૫ હજારથી વધુ શ્રમિકોને લાભ મળશે.
રાજ્યમાં અત્યારે ૧૦ જિલ્લાના કુલ ૧૧૮ કડીયાનાકા ખાતે ભોજન વિતરણ કેન્દ્રો કાર્યરત છે. છેલ્લા એક વર્ષમાં આ ભોજન વિતરણ કેન્દ્રો ખાતેથી ૫૫ લાખથી પણ વધારે ભોજન વિતરણ થયું છે. અહીંથી સરેરાશે દરરોજ ૨૭ હજાર કરતાં વધારે ભોજન વિતરણ થાય છે. જે માટે વર્ષ ૨૦૨૨-૨૩ અને ૨૦૨૩-૨૪ માં કુલ રૂ. ૨૫૦૨ લાખ કરતાં વધારેનો ખર્ચ થયો છે. ત્યારે હવે નવા ૧૫૫ ભોજન વિતરણ કેન્દ્રોનો શુભારંભ થતા રાજ્યમાં કુલ ૨૭૩ કડીયાનાકાઓ ખાતેથી શ્રમિક પરિવારને પાંચ રૂપિયામાં પૌષ્ટિક ભોજનનો લાભ મળશે.