- રાજ્યભરમાં ૯૦૦થી વધુ પક્ષી નિદાન કેન્દ્રો ૭૫૦થી વધુ વેટરનિટી તબીબો આપશે સેવા
- ૭૭૦૦થી વધુ રાજ્યના સેવાભાવી સ્વયંસેવકો આ ‘કરૂણા અભિયાન’માં સહભાગી
- પક્ષી સારવાર કેન્દ્રોની વિગતો ૮૩૨૦૦૦૨૦૦૦ નંબર પર વોટ્સઅપ અને વેબસાઇટ દ્વારા મેળવી શકાશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ Bhupendra Patel એ ૧૦મી જાન્યુઆરીથી ર૦મી જાન્યુઆરી – ર૦ર૪ સુધી ઉત્તરાયણ પર્વ દરમ્યાન પતંગ દોરાથી પક્ષીઓને ઘાયલ થતા બચાવવા અને ઘાયલ પક્ષીઓની સારવાર માટે ચાલી રહેલા રાજ્યવ્યાપીકરૂણા અભિયાન અંતર્ગત અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં કાર્યરત વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી.
મુખ્યમંત્રીએ આ મુલાકાત દરમિયાન વાઈલ્ડ લાઈફ કેર સેન્ટરમાં ઓપરેશન થિયેટર, ઓપીડી, એક્સરે રૂમ તથા વાઈલ્ડ લાઈફ કેર સેન્ટર દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ અવસરે મુખ્યમંત્રીએ વન્ય પ્રાણી ફોટોગ્રાફ એક્ઝિબિશનની પણ મુલાકાત લીધી હતી. વન વિભાગના અગ્ર મુખ્ય વન સંરક્ષક તેમજ ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડન નિત્યાનંદ શ્રીવાસ્તવ એ કહ્યું કે, મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ઉત્તરાયણ પર્વમાં ઘાયલ પક્ષીઓને બચાવવાનું આ અભૂતપૂર્વ અભિયાન છે.
૨૦૧૭ થી ચાલી રહેલા આ અભિયાનમાં અત્યાર સુધીમાં હજારો ઘાયલ પક્ષીઓના જીવ બચાવવામાં આવ્યા છે. તા.૧૦ થી ૨૦ જાન્યુઆરી દરમિયાન સુધી ચાલી રહેલા આ અભિયાનને સફળ બનાવવા પશુપાલન, વન વિભાગ, મહાનગરપાલિકાઓ અને વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ સહભાગી બની છે. મુખ્યમંત્રીની આ વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત દરમિયાન અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન, ધારાસભ્યઓ, કાઉન્સિલરો તેમજ ચીફ વાઈલ્ડ લાઇફ વોર્ડન નિત્યાનંદ શ્રીવાસ્તવ, નાયબ વન સંરક્ષકઓ અને વન વિભાગના અન્ય અધિકારીઓ, કરુણા અભિયાન સાથે જોડાયેલી વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ સ્વયંસેવકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે ઉત્તરાયણ પર્વ દરમ્યાન પતંગની દોરીથી કોઇ અબોલ પક્ષી-પશુ ઘાયલ ન થાય તેની પૂરતી સતર્કતા સાથે ૧૦મી જાન્યુઆરીથી ર૦મી જાન્યુઆરી-ર૦ર૪ દરમ્યાન રાજ્યવ્યાપી કરૂણા અભિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણા અને દિશા-દર્શનમાં યોજાઈ રહ્યું છે. આ અભિયાનના દિવસો દરમ્યાન સમગ્ર રાજ્યમાં દરરોજ સવારે ૭ થી સાંજે ૬ કલાક સુધી તમામ તાલુકાઓમાં વન વિભાગ દ્વારા કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યા છે.
જીવો, જીવવાદો અને જીવાડો’’ની જીવદયા ભાવના સાથે મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં વન વિભાગે આ વર્ષે પણ ઉત્તરાયણ પર્વ દરમ્યાન ઘાયલ થતાં પક્ષીઓની ત્વરિત સારવાર વ્યવસ્થા માટે વોટ્સએપ નંબર તથા વેબસાઇટ પણ કાર્યરત કર્યા છે.
તદ્દઅનુસાર, વોટ્સએપ ૮૩૨૦૦૦૨૦૦૦ ઉપર મેસેજ કે મિસ કોલ કરો ત્યારબાદ એક લિંક પ્રાપ્ત થશે અને એ વેબસાઇટ ઉપર કલીક કરવાથી જિલ્લાવાર પક્ષી સારવાર કેન્દ્રોની વિગતો મળી શકશે.
એટલું જ નહીં વનવિભાગના હેલ્પ લાઇન નંબર ૧૯૨૬ તેમજ પશુપાલન વિભાગના હેલ્પ લાઇન નંબર ૧૯૬૨ ઉપર ઘાયલ પક્ષીઓની સારવાર માટે મદદ લઇ શકાશે. ઉત્તરાયણ દરમ્યાન જો કોઇ પક્ષી ઘાયલ થાય તો તેની સારવાર માટે રાજ્યભરમાં આ વર્ષે ૯૦૦થી વધુ પક્ષી નિદાન સારવાર કેન્દ્રો, ૭૦૦થી વધારે વેટરનિટી તબીબો તેમજ ૭૭૦૦થી વધુ સેવાભાવી સ્વયંસેવકો સેવારત રહેવાના છે.
ઉત્તરાયણ જેવા તહેવારો અને લોકોત્સવોની ઉજવણી દરમ્યાન અબોલ જીવોની ચિંતા કરી તેની સારવાર-માવજતનું આ કરૂણા અભિયાન ગુજરાતની આગવી પહેલ બન્યું છે. ગયા વર્ષે કુલ ૧૩,૦૦૮ પક્ષીને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.