તા.21 ડિસેમ્બરથી તા.24 ડિસેમ્બર સુધી ચાર દિવસીય સંમેલનમાં વિવિધ વિષયો પર કોન્ફરન્સ
અમદાવાદ શહેરના સાયન્સ સીટી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 6ઠ્ઠા ભારતીય વિજ્ઞાન એક્સ્પોને ખુલ્લો મૂક્યો છે. ત્યારે આ પ્રસંગે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત તથા રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલ પાનસેરીયા અને અમદાવાદ શહેરના મેયર પ્રતિભા જૈન ઉપસ્થિત જોવા મળ્યા હતા. વિજ્ઞાન ભારતી દ્વારા આયોજિત તા.21 ડિસેમ્બરથી તા.24 ડિસેમ્બર સુધી ચાર દિવસીય ચાલનારા સંમેલનમાં વિવિધ વિષયો પર કોન્ફરન્સ યોજાનાર છે.
આ પ્રસંગે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે સૌ પ્રથમ આ સંમેલન માટે વિજ્ઞાન ભારતીને અભિનંદન પાઠવ્યા. બાદમાં તેમણે જણાવ્યું હતું કે, ભારતની સંસ્કૃતિ વિજ્ઞાન સાથે જોડાયેલી છે. વિજ્ઞાન એ ભારતીય સમાજના પાયાનો પથ્થર છે તથા ભારતીય સમાજની જીવન પધ્ધતિ પણ વિજ્ઞાન સાથે જોડાયેલી છે. મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, પ્રાચીન ભારતના વિજ્ઞાનની વાત કરીએ તો, સુર્યમંદિર, ગુજરાતની વાવો, અજંતા ઈલોરાની ગુફા તથા દક્ષિણ ભારતના મંદિરોની કોતરણી અને બાંધકામ જોઈએ તો ખ્યાલ આવે કે કેટલું માઇક્રો પ્લાનિંગ સાથે કામ થતું હતું.
વધુમાં મંત્રીએ ઉમેરતાં કહ્યું કે, આજે ભારત તમામ ક્ષેત્રે દુનિયામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલા વાઈબ્રન્ટ ગુજરાત થકી ગુજરાત વિકાસ મોડેલ બન્યું. સમગ્ર દેશમાં ગુજરાત સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય છે એવું તેમણે ઉમેર્યું હતું.
તેમજ ડિજિટલ માધ્યમ વિશે વાત કરતાં મંત્રીએ જણાવ્યું હતું કે, ટેક્નોલોજીનો ઉપયોગ જનકલ્યાણ માટે કર્યો હોય તો તે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કર્યો છે. આજે વિધાર્થી હોય કે ખેડૂતો હોય તમામ લોકોને સરકારી યોજનાના નાણાં સીધા બેંક એકાઉન્ટમાં આવી જાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર પણ રાજ્યમાં વિજ્ઞાન ક્ષેત્રે પ્રગતિ થાય તે દિશામાં કાર્ય કરી રહી છે એવું તેમણે ઉમેર્યું હતું.