(માહિતી બ્યુરો,પાલનપુર)
- વ્યક્તિએ આજીવન વિદ્યાર્થી બની રહેવું જોઈએ : સતત શીખતા રહેવાથી જ્ઞાનમાં વૃદ્ધિ થતી રહે છે:રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
- સત્ય બોલવું, ધર્મનું આચરણ કરવું અને સ્વાધ્યાયમાં આળસ ન કરવા વિદ્યાર્થીઓને રાજ્યપાલશ્રીની સોનેરી સલાહ
- શિક્ષણ દ્વારા પ્રાપ્ત કરેલ જ્ઞાનનો લોકકલ્યાણ અને રાષ્ટ્રના નિર્માણ માટે ઉપયોગ કરવા આહ્વાન કરતા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
- રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે પાંચસો (509) વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના ૧૯ મા
પદવીદાન સમારોહમાં દીક્ષાંત પ્રવચન આપતાં વિદ્યાર્થીઓને રાષ્ટ્રની ઉન્નતિ અને ગૌરવ વધે એ માટે
શિક્ષણ દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે માત્ર સ્વઉત્કર્ષ માટે જ નહીં, પણ લોકકલ્યાણ અને રાષ્ટ્રના નિર્માણ માટે પણ ઉપયોગી થાય તેવો પુરૂષાર્થ કરવા આહ્વાન કર્યું હતું. વ્યક્તિએ આજીવન, જીવનની અંતિમ ક્ષણ સુધી વિદ્યાર્થી બની રહેવું જોઈએ, કારણ કે સતત શીખતા રહેવાથી જ્ઞાનમાં વૃદ્ધિ થતી રહે છે એવી માર્મિક શીખ આપી હતી.
આજના દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે પાંચસો (509) વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. તેમાંથી ચોત્રીસ (34) વિદ્યાર્થીઓને “વિદ્યા વાચસ્પતિ”ની પદવી, એકસો પંદર (115) વિદ્યાર્થીઓને સ્નાતકોત્તર પદવી અને ત્રણસો સાઠ (360) વિદ્યાર્થીઓને સ્નાતકની પદવી એનાયત કરવામાં આવી હતી. તો કેટલાક ડિગ્રી ધારકોને તેમની શૈક્ષણિક શ્રેષ્ઠતા માટે સાત (7) ચાન્સેલર ગોલ્ડ મેડલ, છ (6) વાઇસ ચાન્સેલર ગોલ્ડ મેડલ અને પચીસ (25) ડોનર ગોલ્ડ પ્લેટેડ સિલ્વર મેડલ મળી કુલ 38 મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, ભારતની પ્રાચીન ગુરૂકુલ પરંપરામાં પણ ઋષિમુનિઓ પોતાના શિષ્યોને શિક્ષા-દીક્ષા અર્પણ કરી અંતમાં ‘सत्यं वद धर्मं चर स्वाध्यायान्मा प्रमदः’ સત્ય બોલવા, ધર્મનું આચરણ કરવા અને અભ્યાસમાં આળસ ન કરવાનો ઉપદેશ આપતા હતા. તેમણે પદવી ધારણ કરતા વિદ્યાર્થીઓને સ્વાધ્યાયમાં-જ્ઞાન ઉપાર્જનમાં કયારેય આળસ નહીં કરવા જણાવ્યું હતું. તેમજ સત્ય બોલવું, ધર્મનું આચરણ કરવું, જવાબદાર નાગરિક બનવું અને વિદ્યાનો પરમાર્થ, સૌના કલ્યાણ માટે ઉપયોગ કરવા જણાવ્યું હતું.
રાજયપાલશ્રીએ વિદ્યાર્થીઓને મહામૂલી શીખ આપતાં જણાવ્યું હતું કે, વાદળ સાગરના ખારા પાણીને મીઠું બનાવી વર્ષારૂપે જ્યાં જરૂરિયાત હોય ત્યાં વરસીને જેમ ધરતીની તરસ છીપાવે છે તે જ રીતે પોતાના જ્ઞાનની વર્ષાથી જ્ઞાનપિપાસુ લોકોની પ્યાસ સંતોષજો. તેમણે માતૃદેવો ભવ: પિતૃ દેવો ભવ:, આચાર્ય દેવો ભવ: અને અતિથિ દેવો ભવ: ના આપણા સંસ્કૃતિ ભાવને હ્રદયમાં ઉતારવા વિદ્યાર્થીઓને અપીલ કરી હતી.
આ પ્રસંગે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ આઈ.સી.આર નો રિપોર્ટ ટાંકીને જણાવ્યું કે રાસાયણિક ખાતર, યુરિયા ડીએપીના વપરાશથી જમીન બંજર , ઝેરીલી બની ગઈ છે, ગ્લોબલ વોર્મિંગની ભયાનક અસરોથી પૃથ્વી પ્રદુષિત બની છે, પર્યાવરણ સુરક્ષિત નથી રહ્યું ત્યારે પ્રાકૃતિક ખેતી અપનાવવા અને તેનો પ્રસાર પ્રચાર કરવા પણ વિદ્યાર્થીઓને હિમાયત કરી હતી.
વિદ્યાર્થીઓને ટકોર કરતાં તેમણે કહ્યું કે, જીવનના અમૂલ્ય વર્ષો વિદ્યાભ્યાસ કર્યા બાદ તમારે કારકિર્દી નિર્માણ માટે વિશાળ અને સ્વતંત્ર ફલકમાં કઠોર પરિશ્રમ-કુશળતા અને સામર્થ્યથી ઉજ્જવળ ભવિષ્ય કંડારવાનું છે. જ્ઞાન મેળવ્યા બાદ હવે એવું જીવન ઘડતર કરો જેથી આવનારી પેઢી તમારામાંથી પ્રેરણા લે એમ જણાવી રાજ્યપાલશ્રીએ પદવી ધારણ કરનારા સૌ વિદ્યાર્થીઓ અને ખાસ કરીને સુવર્ણપદક મેળવનારા વિદ્યાર્થીઓની ભાવિ ઉજજવળ કારકિર્દી માટે શુભકામનાઓ પાઠવી હતી.
પ્રાસંગિક ઉદ્દબોધન કરતાં યુનિવર્સિટીના કુલપતિ ડૉ. આર.એમ.ચૌહાણે દીક્ષાંત સમારોહમાં સૌને આવકારતાં યુનિવર્સિટીની શૈક્ષણિક માહિતી આપતાં જણાવ્યું કે, સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી હેઠળ આઠ (08) કોલેજો અને પાંચ (05) પોલિટેકનિક છે, આ સિવાય છવ્વીસ (26) સંશોધન સંસ્થાઓ અને સત્તર (17) વિસ્તરણ સંસ્થાઓ છે, જે શિક્ષણ, પાક સુધારણા, સંસાધન વ્યવસ્થાપન, બીજ ઉત્પાદન અને કૃષિ તકનીકના વિસ્તરણ ક્ષેત્રે કાર્યરત છે. વધુમાં તેમણે વિધાર્થીઓ, પ્રોફેસરો, અને વિભાગની વિવિધ સિદ્ધિઓ, પ્રાકૃતિક કૃષિ સેમિનાર, ખેડૂત તાલીમ શિબિર સહિતના કાર્યક્રમો અને નવા ફૂડ વેસ્ટ આધારિત પ્લાન્ટ વિશે તેમજ વિવિધ પાકોમાં થયેલ સંશોધન અને તેને મળેલ પેટન્ટ અને જી.આઈ ટેગ સહિતની સંપૂર્ણ માહિતી આપી સૌને પદવીદાન સમારોહમાં આવકાર્યા હતા.
આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી વરુણકુમાર બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે દવે, પોલીસ અધિક્ષકશ્રી અક્ષય રાજ મકવાણા, રજીસ્ટ્રાર ડૉ. પી.ટી. પટેલ, રાજ્યની અન્ય કૃષિ યુનિવર્સિટીઓમાંથી આવતા મહેમાનશ્રીઓ, યુનિવર્સિટીના સંશોધન નિયામક ડૉ.સી.એમ. મુરલીધરન, અને વિવિધ ફેકલ્ટીના ડીન, યુનિવર્સિટી મેનેજમેન્ટ બોર્ડ અને એકેડેમિક કાઉન્સિલ, રિસર્ચ કાઉન્સિલ, વિસ્તરણ શિક્ષણ પરિષદના સભ્યો, અધિકારીશ્રીઓ, પ્રોફેસરશ્રીઓ, સ્ટાફ, સ્નાતક વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.