Rajkot Gamezone Incident : સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો સાતમ આઠમના તહેવાર અંતર્ગત રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજાય છે. ત્યારે ચાલુ વર્ષે પણ સાતમ આઠમનો લોકમેળો રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે જ યોજવાનો છે. પરંતુ ચાલુ વર્ષે મેળામાં સ્ટોલ અને રાઇડ્સના પ્લોટમાં 30% નો ઘટાડો કરવામાં આવશે આ પ્રકારનું નિવેદન રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીનું સામે આવ્યું છે.
લોકોની સરળતા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ચાલુ વર્ષે મેળાના સ્ટોલમાં તેમજ રાઇડ્સના પ્લોટમાં 30 ટકાનો ઘટાડો કરવામાં આવશે. આ સાથે જ મેળામાં થ્રી લેયર સિક્યુરિટી પણ રાખવામાં આવશે. ડ્રોન કેમેરાની મદદથી લોકમેળા ખાતે સુરક્ષાની દ્રષ્ટિએ બાજ નજર રાખવામાં આવશે. તો સાથોસાથ સેફટી માટે નવા નિયમો પણ લાગુ કરવામાં આવશે.
રાજકોટ લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા રાજકોટ શહેરમાં રેસકોર્સ મેદાન ખાતે તા. 24થી 28 ઓગસ્ટ દરમિયાન લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોકમેળામાં ધંધાર્થે સ્ટોલ લેવા માગતા અરજદારોએ ભરવાના ફોર્મ બાબતે લોકમેળા અમલીકરણ સમિતિના અધ્યક્ષ તથા નાયબ કલેક્ટર રાજકોટ-1 દ્વારા સૂચના જારી કરવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે, લોકમેળાના દરેક સ્ટોલ ધારકે ફરજીયાત સીસીટીવી કેમેરા લગાવવાના રહેશે અને તેનું રેકોર્ડિંગ 30 દિવસ સુધી સાચવવાનું રહેશે. લોકમેળાના દરેક નાના સ્ટોલ/પ્લોટ ધારકે એક ફાયર એક્સ્ટિંગ્યુશર અને મોટા રાઇડ્સ, સ્ટોલ/ પ્લોટ ધારકે બે ફાયર એક્સ્ટિંગ્યુશર લગાવવાના રહેશે.
નોંધનીય છે કે, ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે નવા નિયમો લાગુ કરવામાં આવશે. કન્ટ્રોલ રૂમ, એમ્બ્યુલન્સ, ફાયર સેફટી સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. તેમજ સરકારી ફીટનેશ સર્ટિફિકેટ બાદ જ રાઇડ્સ ચાલુ કરવા દેવામાં આવશે. આ પ્રકારના નિર્ણય લોકમેળા સમિતિ દ્વારા લેવામાં આવ્યા છે. દર વર્ષે 15 લાખ જેટલા લોકો 5 દિવસીય યોજનાર લોકમેળાની મુલાકાત લેતા હોય છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર રમકડાના સ્ટોરની સંખ્યા ગત વર્ષે 240 હતી જેને ચાલુ વર્ષે 180 કરાશે તેમજ રાઇડ્સના પ્લોટની સંખ્યા 44 હતી જેને ઘટાડીને 29 કરી દેવામાં આવશે.
આ પણ વાંચો – Gujarat ST Nigam : ગુજરાતમાં આટલી જગ્યાએ શરુ થશે નવા બસ સ્ટેશન અને નવા ડેપો-વર્કશોપ