Gujarat News: ઉદ્ઘાટન સત્રમાં સ્વદેશી જાગરણ મંચના રાષ્ટ્રીય સંગઠક માનનીય કશ્મીરીલાલજી, દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. આર.એમ.ચૌહાણ, સ્વદેશી જાગરણ મંચના પ્રદેશ સંગઠક મા.મનોહરલાલજી, પશ્ચિમ ક્ષેત્ર સંગઠક શ્રી રમેશભાઈ દવે, ગુજરાત પ્રાંત સંયોજક શ્રી હસમુખભાઈ ઠાકર, ગુજરાત સહપ્રાંત સંયોજક શ્રી કરણભાઈ ગૌડ, ગુજરાત સહપ્રાંત સમન્વયક શ્રી હાર્દિકભાઈ વાછાણી તથા મહિલા સમન્વયક શ્રીમતી સીમાબહેન ગાલા (પ્રાંત મહિલા સમન્વયક) મંચ પર ઉપસ્થિત રહ્યા.
કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્યથી થયો. કૃષિ વિશ્વવિદ્યાલય તેમજ સ્વદેશી જાગરણ મંચ દ્વારા મંચસ્થ મહાનુભાવોનું શાલથી સ્વાગત કરવામાં આવ્યું.
માનનીય કશ્મીરીલાલજીએ તેમના પ્રાસંગિક ઉદ્બોધનમાં 3 idiots ફિલ્મના ઉદાહરણ દ્વારા સ્વદેશી, સ્વાવલંબનની વાતને અનોખી રીતે રજૂ કરી.
વધુમાં તેમણે જણાવ્યું કે સામાન્ય માણસ પણ નવીન સંશોધન દ્વારા પોતાનું યોગદાન આપી શકે છે. તેના ઉદાહરણ માટે તેમણે ચોખાની ચમકદાર જાતને દાદા કોબરગડેએ HMT જાત બનાવી તેનું ઉદાહરણ આપ્યું.
કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને તેમણે જણાવ્યું કે તેમણે સ્થાનિક ખેડૂત સાથે આત્મીયતાનો નાતો કેળવીને કાર્ય કરવું જોઈએ. સ્વદેશી વસ્તુઓ વાપરવાથી આપણા રોજિંદા ખર્ચાઓમાં અડધો અડધ કાપ આવી શકે છે.
આજકાલ એવી સંસ્થામાં ઍડમિશન લેવા માટે જ્યારે હોડ જામે છે કે જ્યાં સારું પ્લેસમેન્ટ મળતું હોય. પરંતુ આપણે પોતે જ પ્લેસમેન્ટ આપવા લાયક વિદ્યાર્થીઓનું નિર્માણ કરવું પડશે. જે પ્રમાણે ખેતી ઓર્ગેનિક થઈ શકે છે તેવી જ રીતે ઉદ્યમિતા પણ ઓર્ગેનિક થઈ શકે છે. આ માટે તેમણે તમિલનાડુના પ્રસિદ્ધ ઉદ્યોગસાહસિક શ્રીધર વેમ્બુના ઉદાહરણ દ્વારા કહ્યું કે 2020માં આ વ્યક્તિએ પ્રોફેસર તરીકે ભણાવવાનું બંધ કરીને ગત વર્ષે 2800 કરોડના નફા સાથે ZOHO કંપનીનું નિર્માણ કર્યું.
અત્યાર સુધી ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં જે ચાર પ્રકારની ક્રાંતિ આવી છે તેમાં હવે પાંચમી ક્રાંતિ મુજબ પૂંજી અને મગજ બંને ભારતીય લોકોનું હોય તે અતિ આવશ્યક છે.
ઉદ્ઘાટન સત્રના અંતમાં અધ્યક્ષીય પ્રવચન કરતાં કૃષિ યુનિવર્સિટીના કુલપતિ શ્રી આર.એમ ચૌહાણે યુનિવર્સિટીમાં ચાલતા વિવિધ પ્રકારના પ્રકલ્પ તેમજ અત્યાર સુધીની યુનિવર્સિટીની ઉપલબ્ધિઓ દ્વારા સ્વાવલંબનની વિશેષ વાતને રજૂ કરી હતી. યુનિવર્સિટીમાં વિદ્યાર્થી દ્વારા કરવામાં આવતા નવા નવા પ્રયોગો તેમજ કૃષિ યુનિવર્સિટીના અધ્યાપકો તેમજ વૈજ્ઞાનિકો દ્વારા પ્રાપ્ત થયેલી વિભિન્ન સિદ્ધિઓ દ્વારા આ યુનિવર્સિટી ગુજરાત, ભારત અને વિશ્વની મોખરાની યુનિવર્સિટી બની છે તેમ જણાવ્યું હતું. સ્વાવલંબનમાં આ યુનિવર્સિટીનો યોગદાન આગવું છે. તેમ જણાવીને તેમણે સ્વદેશી જાગરણ મંચ માટે આ યુનિવર્સિટી સહાય કરવા સદા તત્પર છે તેમ પણ જણાવ્યું હતું.