Jain News : શ્રી સિમંધર જૈન સંઘ ઘાટલોડીયા અમદાવાદના આંગણે શ્રી લબ્ધિકૃપાપાત્ર પૂજ્ય આચાર્ય શ્રી શીલરત્ન સૂરીશ્વરજી મહારાજા પ્રેરીત શ્રી પાર્શ્વ-લબ્ધિ પરિવારનું સ્નેહમિલન યોજાયું. તારીખ ૧ર મે ર૦ર૪ ના રોજ પૂજ્ય આચાર્ય શ્રી શીલરત્નસૂરીશ્વરજી મહારાજા આદિ ઠાણાની પ્રેરક નિશ્રામાં શ્રી પાર્શ્વ – લબ્ધિ પરિવારના સૌ સ્નેહિજનોની ઉપસ્થિતિમાં પ્રેમભર્યું ઉષ્માભર્યું સ્નેહમિલન યોજાયું.
આ સ્નેહમિલનમાં સંવેદનાકાર તરીકે વિરાજ શાહે તેમજ સુમધુર સંગીત સાથે સંગીતકાર મોક્ષીત શાહે સૌને ભાવધારામાં જોડેલા. કાર્યક્રમના પ્રારંભે સંગીતના તાલ સાથે ગુરૂભગવંતોનું આગમન થયેલ. અને સૌ ગુરૂભક્તોએ ગુરૂવંદના કરી મંગલાચરણનું શ્રવણ કરેલ. શ્રી સિમંધર સ્વામી જૈન સંઘના ટ્રસ્ટીવર્ય તેમજ પાર્શ્વ-લબ્ધિ પરિવારના ટ્રસ્ટીઓ અને ગુરૂભક્તો દ્વારા દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો મંગલ શુભારંભ કરાવેલ.
શ્રી પાર્શ્વ લબ્ધિ પરિવાર દ્વારા જીવદયા, અનુકંપા, સાધર્મિક ભક્તિ અને વૈયાવચ્ચની અનોખી પ્રવૃતિઓ
આ પ્રસંગે પૂજ્ય ગુરૂદેવે જણાવેલ કે શ્રી ગુરૂલબ્ધિની કૃપાથી આપણા પાર્શ્વ લબ્ધિ પરિવાર દ્વારા જીવદયા, અનુકંપા, સાધર્મિક ભક્તિ અને વૈયાવચ્ચની અનોખી પ્રવૃતિઓ કરાઈ રહી છે અને ગુરૂલબ્ધિની કૃપાથી આ સેવાકીય, માનવતાના કાર્યો અવિરત ચાલી રહ્યા છે. ત્યારે આપ સૌ લબ્ધિ પરિવાર પાસે હું આપનો સમયદાન માગું છું ગુરૂલબ્ધિની કૃપાથી ક્યારેય સંસ્થાને ફંડની તકલીફ નથી પડતી પરંતુ વિવિધ કાર્યોના સંકલન માટે અને આયોજન માટે સમયદાન કરતા કાર્યકરોની જરૂર પડે છે.
તો આવો સૌ સાથે મળી શ્રી પાર્શ્વલબ્ધિ પરિવારના વિવિધ આયોજનો જેવા કે ખીચડીઘર, વૈયાવચ્ચ, જીવદયા અને અનુકંપાના અનેક કાર્યો કરીએ. આ પ્રસંગે સુરતના ગુરૂભક્તો દ્વારા સુરત વેસુમાં આવેલ એક વૃધ્ધાશ્રમના સભ્યોનો શંખેશ્વર તીર્થનો એક દિવસીય યાત્રા પ્રવાસ ની અનુમોદના કરવામાં આવી. આમ પાર્શ્વલબ્ધિ પરિવારનું પ્રેમપૂર્ણ સ્નેહમિલન યોજાયું. જેમાં સૌ વિરાજ શાહ અને મોક્ષીતશાહની ભાવધારામાં જોડાયા હતા પૂજ્ય મૂનિરાજશ્રી સિધ્ધરત્ન વિજયજી મહારાજ સાહેબે સૌને માનવસેવાના અને આત્મકલ્યાણના કાર્યોમાં જોડાવવા પ્રેરણા આપેલ