અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનો આજથી પ્રારંભ થશે. 31 ડિસેમ્બર સુધી ચાલનારા કાંકરિયા કાર્નિવલને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ કરાશે. આ વખતે વસુધૈવ કુટુમ્બકમ-એક ધરતી એક પરિવારની થીમ પર કાર્નિવલ યોજવામાં આવ્યો છે. રાત્રે વિકસિત ભારત સંકલ્પ થીમ પર લેઝર શોનું આયોજન કરાયું છે. વર્ષ 2003 થી મનાવવામાં આવતા કાર્નિવલમાં છ દિવસમાં એક લાખ લોકો આવવાનો અંદાજ છે. કાંકરિયા કાર્નિવલમાં આ વર્ષે લેઝર શો, ડ્રોન શો અને લાઈટીંગ શો આકર્ષણનું કેન્દ્ર રહેશે. ત્યારે આ કાર્યક્રમો બાળકોને મજા અપાવશે. બાળકો અને મોટાઓ માટે અહીં સ્પેશિયલ સેલ્ફી પોઇન્ટ પણ બનાવવામાં આવ્યા છે. આ વર્ષે ધનુષ થીમ આધારિત પ્રવેશ દ્વાર અને ચંદ્રયાન-3ની થીમ આધારિત સેલ્ફી પૉઈન્ટ આકર્ષણનું કેન્દ્ર બનશે.
કાર્નિવલમાં 3 ભવ્ય સ્ટેજ બનાવવામાં આવ્યા છે. જેમાં લોકસંગીતકારો અને હાસ્ય કલાકારો લોકોનું મનોરંજન કરશે. તો સુરક્ષા વ્યવસ્થાને લઇને પણ પોલીસે એક્શન પ્લાન કર્યો છે. જેમાં 2 ડીસીપી, 5 એસીપી, 14 પીઆઇ, 66 પીએસઆઈ, 963 પોલીસ જવાનો, 200 મહિલા પોલીસ, 150 હોમગાર્ડ જવાનો સહિત ૧૩૦૦ પોલીસ જવાનો બંદોબસ્તમાં હાજર રહેશે. 120 સીસીટીવી કેમેરાની મદદથી પોલીસ કાર્નિવલમાં અનિચ્છનીય ઘટના ન બને તે માટે નજર રાખશે
આ સાથે એસ.આર.પી.ની એક કંપની ,બોમ્બ ડિસ્પોઝલની છ ટીમો કાર્યરત રહેશે. ત્યારે મહિલાઓની છેડતીના બનાવોને રોકવા કુલ નવ શી ટીમ ખાનગી ડ્રેસમાં કાંકરિયામાં તૈનાત રહેશે. સુરક્ષા માટે 120 સીસીટીવી કેમેરા લગાવાયા છે. આ ઉપરાંત ડ્રોનથી પણ સર્વેલંસ કરવામાં આવશે. તો કાકરિયા ખાતે આવતા લોકોને મુશ્કેલી ન પડે અને અવ્યવસ્થા ન સર્જાય તે માટે કેટલાક વિસ્તારને નો પાર્કિંગ ઝોન, નો સ્ટોપ ઝોન અને નો યુ ટર્ન ઝોન જાહેર કરાયા હતા.
કાંકરિયા કાર્નિવલમાં રોજ રાતે ‘વિકસિત ભારત સંકલ્પ’ થીમ આધારિત લેઝર શો યોજાશે.અમદાવાદીઓ દરરોજ યોગા, એરોબિક્સ, ઝુમ્બાનો લાભ લઈ શકશે. સાથે જ કાંકરિયા કાર્નિવલમાં ગુજરાત પોલીસ દ્વારા હોર્સ શૉ અને ડોગ શૉનું આયોજન પણ કરવામાં આવ્યુ છે. લાઈવ કેરેક્ટર્સ દ્વારા મુલાકાતીઓનું મનોરંજન કરવામાં આવશે. અહીં નાના બાળકો લાઈવ કેરેક્ટર્સ સાથે ફોટો પડાવવાની મજા માણી શકશે. ડિફરન્ટલી એબલ્ડ બાળકો દ્વારા ટ્રાયસિકલ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યુ છે.