‘આપ’ના નેતાઓ અને કાર્યકર્તાઓની અટકાયત
ગુજરાતમાં પણ મધ્યપ્રદેશની જેમ મહિલાઓને ₹3,000ની સન્માન રાશિ આપવામાં આવે: આપ
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલએ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં, સામાન્ય જનતાને આર્થિકરૂપે રાહત મળે તે માટે અનેક ગેરંટીઓ આપી હતી. તે દરમિયાન ભાજપના નેતાઓ તે તમામ યોજનાઓ અને ગેરંટીઓને રેવડીનું નામ આપતા હતા. પરંતુ આજે ભાજપ આમ આદમી પાર્ટીની યોજનાઓની નકલ કરી રહી છે જેમ કે મધ્યપ્રદેશમાં મહિલાઓને પ્રતિ મહિને 1000 રૂપિયા આપી રહી છે. પરંતુ ગુજરાતની ભાજપ સરકાર દ્વારા ગુજરાતી મહિલાઓને આવી કોઈ આર્થિક સહાય આપવામાં આવતી નથી. રાજસ્થાનમાં પણ ભાજપ સરકારે 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાની યોજના શરૂ કરી છે પરંતુ ગુજરાતમાં આવી કોઈ યોજના શરૂ કરી નથી.
આ તમામ મુદ્દાઓ પર આજે આમ આદમી પાર્ટીએ રાજ્યના દરેક જિલ્લામાં ભાજપની દોગલી રાજનીતિનો વિરોધ કર્યો હતો અને મોંઘવારીથી જનતાને રાહત અપાવવા માટે બીજા રાજ્યો જેવી યોજનાઓ ગુજરાતમાં લાગુ કરવા માટે માંગ કરી. અમદાવાદ, સુરત, જુનાગઢ અને ભાવનગરમાં નેતાઓ સહિત અનેક કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. દાહોદ અને મોરબી અનેક જિલ્લાઓમાં પણ મોટી સંખ્યામાં નેતાઓ અને કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આમ આદમી પાર્ટીની સ્પષ્ટ માગણી છે કે ગુજરાતમાં પણ 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવે તથા પ્રત્યેક મહિલાને દર મહિને 3000 રૂપિયા આપવામાં આવે તેવી માંગ સાથે આપ ના નેતાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.