અમદાવાદ રીવરફ્રન્ટ ખાતે ૨૪મી ઓલ ઇન્ડિયા પોલીસ લોન ટેનિસ ચેમ્પિયનશિપ ૨૦૨૩ના પૂર્ણાહૂતિ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે ગુજરાત પોલીસ વડા વિકાસ સહાય તેમજ અન્ય પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીના હસ્તે પોલીસ લોન ટેનિસ વિજેતાઓને એવોર્ડથી સન્માનિત કરાયા હતા. ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશને ફિટ ઇન્ડિયાનો મંત્ર આપીને રમતગમત ક્ષેત્રે લોકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. તેમજ દેશના યુવાનોને રમતગમત ક્ષેત્રે આગળ વધવા પ્રેરિત કર્યા છે
ઓલ ઇન્ડિયા પોલીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ દ્વારા લોન ટેનિસ જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે, તે સરાહનીય છે. ઉપરાંત આવી સ્પર્ધાઓથી વિવિધ રાજ્યના પોલીસ કર્મચારીઓને એકબીજા સાથે સમય વિતાવવાનો અવસર પ્રાપ્ત થાય છે. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની સંકલ્પના સાકાર થાય છે. સાથે જ એકબીજા સાથે વિવિધ સાંસ્કૃતિક બાબતોનું આદાનપ્રદાન પણ કરે છે.
સારા સ્વાસ્થ્ય માટે રમતગમત ખૂબ જ અનિવાર્ય છે. પોલીસની નોકરીમાં શારીરિક અને માનસિક બંને પ્રકારનો સ્ટ્રેસ રહેતો હોય છે. સ્ટ્રેસવાળી પોલીસની નોકરીમાં રમતગમત અને યોગ જેવી પ્રવૃત્તિઓ ફિટ રહેવા માટે ખૂબ જ ઉપયોગી બનતી હોય છે.